ધ્રોલના વાંકીયા ગામ નજીક આજે એક ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા વાહનોમાં બેસેલા આશરે ૧૦ જેટલા લોકોને નાની મોટી ઇજા થતા ૧૦૮ મારફત ધ્રોલ હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
ધ્રોલ-જામનગર હાઇવે વાંકીયા નજીક જલારામ બાપાની જગ્યા પાસે આજે સવારે એક ખાનગી બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટકકર થઇ હતી જેના કારણે ભારે અફડાતફડી મચી ગઇ હતી, અકસ્માતમાં બસમાં સવાર ૧૦ જેટલા મુસાફરોને નાની મોટી ઇજા થઇ હતી.
ઘટનાની જાણ થતા તાત્કાલીક ધ્રોલની ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી જઇ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધ્રોલની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર આપવામાં આવી હતી. બીજી બાજુ બનાવની જાણ થતા પોલીસ ટુકડી ઘટના સ્થળ અને હોસ્પીટલ રવાના થઇ હતી અને આ મામલે ફરીયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઇજાગ્રસ્તોમાં જામનગર-ગુલાબનગરના ધર્મેશ જયસુખભાઇ પરમાર, કાજલબેન વાંજા, હંસ્થળના રામશી નાથાભાઇ માડમ, મોરબીના હેતલબેન, મુંબઇના દિલશા શેખ, જંબુસરના ડળધર આશિષ, મેરામણ મારખીભાઇ, કિશોર રણછોડભાઇ, શંકરમુની ધુળીયા, આસ્થા જીતેન્દ્રભાઇ વાંજાનો સમાવેશ થાય છે જેઓને ધ્રોલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.