પોલીસ તંત્રમાં દોડધામ : ફોટા-ફિંગરપ્રિન્ટ કરાવવા લઈ ગયા બાદ રસ્તામાં ચાલુ બાઇકમાંથી ઉતરી સાગરીત સાથે રફુચકકર
જામનગરમાં એક આરોપીને ફોટા ફીંગરમાંથી પરત લઇ જતી વેળાએ ચાલુ બાઇકમાંથી નીચે ઉતરી પોલીસને ચકમો આપી સાગરીતના બાઇકમાં ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ દ્વારા આરોપીની શોધખોળ આદરવામાં આવી છે.
જામનગરમાં પોલીસની કસ્ટડીમાંથી એક આરોપી ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઈ છે. શહેરના સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં ઝડપાયેલા મીત ઉર્ફે મિતેષ ઉર્ફે મીતલો સુનીલભાઈ બારીયાને ફોટા તથા ફિંગરપ્રિન્ટ લેવડાવીનેે સીટી-બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી પરત લાવવામાં આવી રહ્યો હતો ત્યારે એમ.પી. શાહ કોલેજના ખૂણે વાહનો વચ્ચે આવતાં પોલીસની બાઇક ધીમી પડી હતી. આ તકનો લાભ લઈ આરોપી ચાલુ વાહનમાંથી નીચે ઉતરી ગયો હતો અને પાછળથી હોન્ડા લઈને આવી રહેલા પ્રકાશ ઉર્ફે પકો નામના શખ્સની બાઇક પર બેસી ફરાર થઈ ગયો હતો. જે અંગે ક્ધટ્રોલમાં જાણ કરવામાં આવી હતી તુરંત નાકાબંધી કરીને શોધખોળ આદરી હતી.
દરમ્યાનમાં જામનગરના હોમગાર્ડ કિરણકુમાર ત્રિવેદી દ્વારા આરોપી મીત બારીયા તથા તેને નાસી જવામાં મદદ કરનાર પ્રકાશ ઉર્ફે પકો સહિત અગાઉથી આયોજન કરી ગુનામાં મદદગારી કરનાર તેમજ તપાસ દરમિયાન ખુલાસો થાય તેવા અન્ય શખ્સો સામે સીટી-બીમાં ફરીયાદ નોંધાવી હતી.