ખંભાળિયા: સજા વોરંટનો નાસતો-ફરતો આરોપી ભાટીયામાંથી પકડાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન દ્વારા સજાના વોરંટના એક નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય, દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. હાથલીયા અને ભાટીયા આઉટ પોસ્ટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.પી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ કાર્યરત હતી.
આ દરમિયાન કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ રણમલભાઇ ગોરધનભાઇ પરમાર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ મનસુખભાઇ બાવળીયા પેટ્રોલીંગમાં હતા. તે સમયે મળેલી ચોક્કસ બાતમી હકીકતના આધારે પોલીસે જામનગરની ચોથા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટના ફોજદારી હેઠળ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ (ચેક રિટર્ન)ના ગુન્હામાં સજા પામેલા આરોપીને દીન-દયાળ ચોક, ભાટીયા પાસેથી પકડી પાડ્યો હતો. આ ગુન્હામાં આરોપીને કોર્ટ દ્વારા બે વર્ષની સાદી કેદની સજા તેમજ ૧૭,૦૦,૦૦૦ રૂપિયાના દંડનો હુકમ કરવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી રમેશભાઇ કરશનભાઇ પરમાર (રહે. ભાટીયા, આંગણીયા વાળી શેરી, તા. કલ્યાણપુર, જિ. દેવભૂમિ દ્વારકા) છેલ્લા ઘણા સમયથી સજાના વોરંટની બજવણીથી બચવા માટે નાસતો-ફરતો રહેતો હતો, જેને કલ્યાણપુર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.