દેવભૂમિ દ્વારકા: લોનના પ્રકરણમાં સજા વોરન્ટનો આરોપી મેવાસા પાટીયાથી ઝબ્બે
દ્વારકા એસઓજીની ટીમ ત્રાટકી : ભાણવડ પાોલીસને સોપાયો
બેંક લોન ડિફોલ્ટ અને ચેક બાઉન્સ કેસમાં ૬ મહિનાની સજા પામેલ નાસતો ફરતો આરોપી દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી.ની ગિરફતમાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાસતા ફરતા તેમજ અદાલત દ્વારા સજા પામેલા ગુનેગારોને પકડી પાડવા માટે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય અને દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના પગલે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ.રાણાની આગેવાની હેઠળની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. ચીરાગસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ નિતેશભાઈ સાદિયાને ખાનગી બાતમીદાર મારફતે એક મહત્વની હકીકત મળી હતી.
બાતમી એવી હતી કે, ભાણવડ તાલુકાના ફતેપુર પાટીયા પાસે વાડી વિસ્તારમાં રહેતા ગોવિંદભાઇ અરજણભાઇ બૈડીયાવદરા નામના ઈસમે ભાણવડ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી કુલ રૂપિયા ૨,૮૫,૦૦૦/- ની લોન લીધી હતી. આ લોનની સમયસર ચૂકવણી ન કરવાને કારણે તેમનો ચેક બાઉન્સ થયો હતો, જેથી તેમની સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં જામનગરની ચોથા અધિક મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા આરોપીને ૬ માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી અને તેની સામે સજાનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. સજા જાહેર થયા બાદ આરોપી પોલીસ પકડથી દૂર નાસતો ફરતો હતો.
મળેલી ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે વોચ ગોઠવીને આરોપી ગોવિંદભાઇ બૈડીયાવદરાને ભાણવડ ત્રણપાટીયા રોડ પર આવેલા મેવાસા ગામના પાટીયા પાસેથી ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ એસ.ઓ.જી. દ્વારા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી અને ઘટીત પગલાં લેવા માટે ભાણવડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.