જામનગર તાલુકામાં સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ
પોક્સો કોર્ટનો મહત્વનો ચુકાદો : પીડિતાને ૪ લાખ વળતર ચૂકવવાનો પણ અદાલતનો આદેશ
જામનગર તાલુકાના એક નરાધમ શખ્સએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી અવારનવાર દુષ્કર્મ આચરવાના કેસમાં જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ ૧૫ હજારનો દંડ અને પીડિતાને ૪ લાખ વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.
કેસની હકીકત મુજબ, ફરિયાદીની ૧૬ વર્ષ ૪ માસની સગીર પુત્રીને તેના જ કુટુંબી કાકા જગદીશ કાળુભાઈ સીતાપરા (ઉંમર ૩૫ વર્ષ) એ પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ સગીરાને મોબાઇલ ફોન આપી તેની સાથે સતત વાતચીત શરૂ કરી હતી અને બાદમાં રાત્રિના સમયે નજીકના વંડામાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
ત્યારબાદ તા. ૧૮-૦૬-૨૦૨૩ના રોજ આરોપી સગીરાને રાત્રે દોઢ વાગ્યાના અરસામાં રણુજાથી એસ.ટી. બસમાં રાજકોટ અને ત્યાંથી ગાંધીનગર લઈ ગયો હતો. ત્યાં તેમજ અન્ય સ્થળોએ લગભગ સાત મહિના સુધી પોતાની સાથે રાખી અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
આ અંગે ફરિયાદીએ પંચકોશી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨) તેમજ પોક્સો અધિનિયમની કલમ ૪, ૬ અને ૧૨ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ કેસ જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં પોક્સો કેસ નં. ૪૧/૨૦૨૪ તરીકે ચાલ્યો હતો. કેસ દરમિયાન સરકાર પક્ષે ૧૬ સાક્ષીઓ તથા ૬૩ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.
સરકાર પક્ષના વકીલે દલીલ કરી હતી કે આરોપીને પીડિતા સગીર હોવાનું તેમજ તે પોતાની જ ભત્રીજી હોવાનું જાણતા હોવા છતાં તેણે ગંભીર ગુનો આચર્યો છે. દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ આર. પી. મોંગેરાએ આરોપીને પોક્સો અધિનિયમની કલમ ૪ હેઠળ ૧૦ વર્ષની સખત કેદ તથા કલમ ૬ હેઠળ ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૫,૦૦૦ દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટએ ઉપરાંત પીડિતાને ૪ લાખનું વળતર (કમ્પન્સેશન) ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષ તરફથી સરકારી વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.