કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજકોટ રેન્જની ટીમ અને જામનગર પેરોલ ફર્લો સ્કવોડની ટીમે મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચના અને રાજકોટ રેન્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ટેકનિકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. દરમિયાન કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલ આરોપી અક્ષય તુકારામભાઇ હેન્દ્રે રહે. ભિવંડી થાણે મહારાષ્ટ્રમાં હોવાની ચોક્કસ માહિતી મળી હતી.
આરોપી ગુનો કર્યા બાદ પોતાની ઓળખ છુપાવી પોલીસ ધરપકડથી બચતો ફરતો હતો. રાજકોટ રેન્જની ટેકનિકલ ટીમે ઊંડાણપૂર્વકનું ટેકનિકલ એનાલીસીસ અને વર્કઆઉટ કરી આરોપીનું ચોક્કસ લોકેશન મેળવ્યું હતું.
આ અંગે જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી જામનગર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સી.બી. રાંકજા તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમને મહારાષ્ટ્ર મોકલવામાં આવી હતી. ટીમે ભિવંડી તાલુકા પોલીસ સ્ટેશનની મદદથી આરોપી અક્ષય તુકારામભાઇ ગંગારામ રહે. પરિવલી ગામ, અંબેચા પાડા, તાલુકો ભિવંડી, જિલ્લો થાણે, મહારાષ્ટ્રને હસ્તગત કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી બાદ જામનગર લાવી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.
આરોપી સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૪), ૩૧૯ તથા આઇટી એક્ટની કલમ ૬૬(સી), ૬૬(ડી) હેઠળ ગુનો નોંધાયેલો છે.