જામનગર તાલુકાના નાની ખાવડી ગામની સીમમાં વીસ વર્ષ પહેલાં પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયેલો આરોપી આખરે પોલીસના હાથમાં આવ્યો છે. જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બિહારના રોહતાસ જિલ્લાના સાસારામમાંથી આરોપીને ઝડપી પાડી વર્ષોથી વણઉકેલાયેલા હત્યાના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. હત્યા બાદ નામ અને ઓળખ બદલીને બિહારમાં વસવાટ કરી રહેલો આરોપી ત્યાં બાંધકામની ઓફિસમાં નોકરી કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
ગત તા. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૭ના રોજ જામનગર તાલુકાના નાની ખાવડી ગામની સીમમાં પાયલ હોટલની ધાર પાસે રામભાઈ રબારીના મકાનમાં રહેતી રોશનબેન ઉર્ફે બિમલાદેવી શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. શરૂઆતમાં અકસ્માતે મોતની નોંધ કરી પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં ગળે ટૂંપો આપવાના કારણે ગૂંગળામણથી મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું હતું. આથી પંચ-બી ડિવિઝન પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો.
પોલીસ તપાસમાં મૃતક રોશનબેનની હત્યા તેમના જ પતિ અસલમ ઉર્ફે પપ્પુ મહમદતાસ અન્સારીએ કરી હોવાનું ખુલ્યું હતું. જોકે, હત્યા બાદ આરોપી ઘર અને વતન છોડીને ફરાર થઈ ગયો હતો. લાંબા સમય સુધી શોધખોળ કરવા છતાં તેનો પત્તો નહીં મળતાં અદાલતમાંથી ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ ૭૦ હેઠળ વોરંટ મેળવવામાં આવ્યું હતું. આ કેસમાં પાછળથી વર્ગ-એ સમરી પણ ભરવામાં આવી હતી.
રાજકોટ રેન્જના આઈ.જી. નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા તથા નાસતા-ફરતા આરોપીઓને પકડવા વિશેષ સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને એલસીબી પીઆઈ વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. ભાટિયા અને તેમની ટીમે વીસ વર્ષ જૂના હત્યાના કેસની ફાઈલોનો ફરી અભ્યાસ કરી તપાસનો દોર આગળ વધાર્યો હતો. દરમિયાન એલસીબીના પોલીસ કર્મચારીઓ સુમિતભાઈ શિયાર, અજયભાઈ વિરડા અને ભયપાલસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે હત્યાના ગુનામાં વોન્ટેડ અસલમ ઉર્ફે પપ્પુ બિહારના રોહતાસ જિલ્લાના નાશરીગંજ તાલુકાના સાસારામ ટાઉનમાં ભવન નિર્માણની એક ઓફિસમાં નોકરી કરે છે અને નામ તથા ઓળખ બદલીને રહે છે.
બિહારના સાસારામમાં વોચ ગોઠવી આરોપીને દબોચ્યો: ચોક્કસ બાતમીના આધારે પંચ-બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એ.આર. પરમાર તથા એલસીબીની ટીમ બિહારના સાસારામ પહોંચી હતી. ત્યાં સ્થાનિક પોલીસની મદદ સાથે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. આખરે મૂળ બિહારના રોહતાસ જિલ્લાના મોના ગામનો રહેવાસી અસલમ ઉર્ફે પપ્પુ મહમદ તાસ અન્સારી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. વીસ વર્ષથી ફરાર આરોપીને જામનગર લાવવામાં આવ્યો છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ પંચ-બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવી છે. આમ, બે દાયકા જૂના હત્યાના ગુનામાં આરોપી સુધી પહોંચવામાં જામનગર એલસીબીની ટીમને સફળતા મળી છે.