દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુરમાં સજા વોરંટના આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સજા પામેલ વોરંટના એક આરોપીને પકડી પાડી જેલ હવાલે કરવામાં કલ્યાણપુર પોલીસને સફળતા મળી છે.
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધીક્ષક જયરાજસિંહ વાળા તથા મદદનીશ પોલીસ અધીક્ષક સાગર રાઠોડ (દ્વારકા વિભાગ)ના માર્ગદર્શન હેઠળ ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવેલ સજા વોરંટના આરોપીઓને ઝડપી પાડવા અંગે સૂચના આપવામાં આવી હતી. જેને પગલે કલ્યાણપુર પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.હાથલીયાના માર્ગદર્શન હેઠળ રાવલ આઉટ પોસ્ટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુ.બી. અખેડ તથા પોલીસ સ્ટાફ રાવલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
આ દરમીયાન પી.એસ.આઇ. યુ.બી. અખેડને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ફેમિલી જજ જી.એમ. આહીરની કોર્ટ (ખંભાળીયા)ના કામનો સજા વોરંટનો આરોપી પોતાની વાડીએ હાજર છે. બાતમીના આધારે પોલીસે તુરંત જ દરોડો પાડીને આરોપી ખીમાભાઇ સુકાભાઇ કારાવદરા (ઉં.વ. ૩૫, ધંધો: ખેતીકામ, રહે. રાજપરા ગામ વાડી વિસ્તાર, તા. કલ્યાણપુર, જી. દેવભૂમિ દ્વારકા)ને પકડી પાડ્યો હતો.
પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી આરોપીને જીલ્લા જેલ જામનગર ખાતે જેલ હવાલે કર્યો છે. આ કામગીરી પી.આઇ. આર.એન.હાથલીયા, પી.એસ.આઇ. યુ.બી. અખેડ તથા રાવલ આઉટ પોસ્ટના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.