ખંભાળીયામાં ચોરીનો ગુન્હો આચરી પાંચ મહિનાથી નાસતો-ફરતો આરોપી પકડાયો
અરવિંદ ઉર્ફે કની પોલાભાઇ કાંજીયાને રાજકોટના કુવાડવા વિસ્તારમાંથી દબોચી લેતી ખંભાળીયા પોલીસ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા એક આરોપીને પોલીસે બાતમીના આધારે રાજકોટ શહેરના કુવાડવા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકાના પોલીસ અધીક્ષક જયરાજસિંહ વાળા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે આપઝફલિયિં ખાસ સૂચના અન્વયે ખંભાળીયા ડીવીઝનના નાયબ પોલીસ અધીક્ષક મિત રૂદલાલના માર્ગદર્શન હેઠળ ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ખંભાળીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.આર.રાણાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગ અને વર્કઆઉટમાં હતો.
આ દરમિયાન ખંભાળીયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ નટુભા જાડેજા અને સામતભાઈ પબુભાઇ ગઢવીને મળેલી ચોક્કસ બાતમીના આધારે, ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બીએનએસ કલમ-૩૦૩(૨), ૫૪ મુજબના ગુનાનો આરોપી અરવીંદ ઉર્ફે કની પોલાભાઇ કાંજીયા (ઉં.વ. ૨૮, ધંધો- રિક્ષા ડ્રાઈવિંગ, રહે. મામાવાડી, નવા ગામ, કુવાડવા પોલીસ ચોકીની બાજુમાં, રાજકોટ) ને રાજકોટના કુવાડવા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગુનામાં કુલ ૬ આરોપીઓ સામેલ હતા, જેમાંથી આ આરોપી છેલ્લા પાંચ મહિનાથી પોલીસને સરકાવી નાસતો ફરતો હતો. પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રૂપિયા ૫૦,૦૦૦ની કિંમતની અતુલ કંપનીની રિક્ષા (નંબર જીજે-૦૩-બીએકસ-૧૪૯૫) પણ કબજે કરી છે. પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેની સામે અગાઉ રાજકોટ શહેરના બી-ડીવીઝન, આજીડેમ, થોરાલા તેમજ મોરબી બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચોરી, પ્રોહીબિશન અને જીપી એક્ટ હેઠળ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ સફળ કામગીરી પીઆઈ સી.આર.રાણા, એએસઆઈ હેમતભાઈ નંદાણીયા, હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ જાડેજા, કાનાભાઈ લુણા, સામતભાઈ ગઢવી, માડણભાઈ ગઢવી તેમજ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ જાડેજા અને અરજણભાઈ આંબલીયા સહિતના સ્ટાફે પાર પાડી હતી.