BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: ઇન્સ્ટાગ્રામ પર ડમી આઈડીથી અભદ્ર અને ધમકીભરી કોમેન્ટ કરનારાઓ સામે સાયબર ક્રાઇમ પોલીસનો સપાટો: 19 આઈડી ધારકો સામે કાર્યવાહી

  • July 13, 2026 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: ઇન્સ્ટાગ્રામ પર ડમી આઈડીથી અભદ્ર અને ધમકીભરી કોમેન્ટ કરનારાઓ સામે સાયબર ક્રાઇમ પોલીસનો સપાટો: 19 આઈડી ધારકો સામે કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોશિયલ મીડિયા પર બેનામી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી અશ્લીલ, અભદ્ર અને ધમકીભરી કોમેન્ટો કરીને સામાજિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરનારાઓ સામે જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટેકનિકલ તપાસ અને મેન્યુઅલ સર્વેલન્સના આધારે કુલ 19 ડમી આઈડીના સંચાલકોને શોધી કાઢી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ સોશિયલ મીડિયાના વધતા દુરુપયોગને ગંભીરતાથી લઈ આવા ગુનાઓ સામે કડક વલણ અપનાવવાના નિર્દેશ આપ્યા હતા. તેમના માર્ગદર્શન તેમજ નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલના સુપરવિઝન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. જી. રાઠોડ અને તેમની ટીમે સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી.

સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 30 એપ્રિલથી 14 મે, 2026 દરમિયાન સોશિયલ મીડિયા પર નિયમિત સાયબર પેટ્રોલિંગ દરમિયાન ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અનેક શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે આવી હતી. તપાસ દરમિયાન અલગ-અલગ નામોથી બનાવવામાં આવેલી 19 બેનામી ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા ચાર જુદા જુદા વીડિયો અને રીલ્સ પર જાહેરમાં અપમાનજનક, અશ્લીલ અને ધમકીજનક ભાષામાં કોમેન્ટો કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. કેટલીક કોમેન્ટોમાં દેવભૂમિ દ્વારકા અંગે અપમાનજનક લખાણ પોસ્ટ કરી જાહેર શાંતિ અને સામાજિક સુમેળને ખોરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 67 હેઠળ ગુનો નોંધીને ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી હતી. મોબાઇલ ડેટા, આઈપી વિગતો, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે અલગ-અલગ ત્રણ ટીમો બનાવી દેવભૂમિ દ્વારકા ઉપરાંત અન્ય જિલ્લાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસના અંતે કુલ 19 આઈડી ધારકોની ઓળખ કરવામાં સફળતા મળી હતી. જેમાં 11 પુખ્ત વયના આરોપીઓ અને 8 કાયદા સાથે સંઘર્ષિત કિશોરોનો સમાવેશ થાય છે. તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર કેસની વધુ તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. જી. રાઠોડ દ્વારા કરવામાં આવી રહી છે.

આ સમગ્ર ઓપરેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. કે. કડછા, એસ. વી. કાંબલિયા સહિત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટેકનિકલ વિશ્લેષણ અને મેદાની તપાસના સંકલનથી ટૂંકા સમયમાં આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી.

​​​​​​​આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે નાગરિકોને પણ ચેતવણી આપતાં અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર કોઈપણ વ્યક્તિએ બેનામી આઈડી બનાવી અશ્લીલ, અભદ્ર, ધમકીજનક અથવા સામાજિક વૈમનસ્ય ફેલાવે તેવી કોમેન્ટો કરવી કે જાહેર શાંતિ ભંગ થાય તેવી પોસ્ટ મૂકવી ગંભીર ગુનો છે. આવા કૃત્યો કરનાર સામે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News