ખંભાળિયા: મોજપ ગામના બુટલેગર વિરૂઘ્ધ પાસા હેઠળ કાર્યવાહી
દ્વારકા એલસીબી દ્વારા આરોપીને ભુજની પાલારા જેલમાં ધકેલાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોજપ ગામના બુટલેગર વિરુદ્ધ પાસા હેઠળ કડક કાર્યવાહી કરીને એલસીબી દ્વારા ભુજની પાલારા જેલમાં ધકેલાવાની તજવીજ હાથ ધરી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના ભાગરૂપે પ્રશાસન દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના અનુસાર, જિલ્લાના ટોપ મોસ્ટ ગુનેગારોની યાદી તૈયાર કરી દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો વિરુદ્ધ કડક હાથે પગલાં લેવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
આ અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ. દેવમુરારી દ્વારા દ્વારકા તાલુકાના મોજપ ગામના વાડી વિસ્તારમાં રહેતા ૨૭ વર્ષીય પ્રોહિબિશન બુટલેગર અજુભા ભુટાભા માણેકનો ગુનાહિત ઇતિહાસ એકત્રિત કરીને એક વિસ્તૃત પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
આ પાસા દરખાસ્તના કાગળોનો ઊંડાણપૂર્વક અભ્યાસ અને અવલોકન કર્યા બાદ, સમાજમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ એમ. તન્ના દ્વારા ત્વરિત નિર્ણય લઈને આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી અને અટકાયત વોરંટ ઈશ્યુ કરાયું હતું. કલેક્ટર કચેરી દ્વારા વોરંટ જારી થતાં જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ. દેવમુરારી અને તેમની કાર્યકુશળ ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી બુટલેગર અજુભા ભુટાભા માણેકને રાઉન્ડ અપ કરી લીધો હતો. ત્યારબાદ કાયદાકીય જોગવાઈઓ હેઠળ વોરંટની બજવણી કરીને આરોપીને ભુજ-કચ્છ ખાતે આવેલી પાલારા ખાસ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.