BREAKING NEWS

જામનગર ITI માં નવા શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: આગામી ૨૩ જૂન સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

  • June 10, 2026 05:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ITI માં નવા શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: આગામી ૨૩ જૂન સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

આઈ.ટી.આઈ. જામનગરના ૦૩ તાલીમાર્થીઓ ‘અગ્નિવીર’માં અને ડ્રાફ્ટમેન સિવિલના ૦૭ તાલીમાર્થીઓ માર્ગ અને મકાન વિભાગમાં પસંદગી પામ્યા

ઉમેદવારો માટે આઈ.ટી.આઈ. ખાતે વિનામૂલ્યે હેલ્પ સેન્ટર કાર્યરત, પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની સુવિધા પણ ઉપલબ્ધ

જામનગર તા.૧૦, રોજગાર અને તાલીમ નિયામકની કચેરી, ગાંધીનગર હસ્તકની જામનગર જિલ્લાની તમામ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) ખાતે ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ના શૈક્ષણિક સત્ર માટે વિવિધ વ્યવસાયિક ટ્રેડોમાં નવા એડમિશન મેળવવા માટેની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ એડમિશન અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૩/૦૬/૨૦૨૬ નિયત કરવામાં આવી છે, તેમ આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા - જામનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.

આઈ.ટી.આઈ. જામનગર ગુણવત્તાયુક્ત અને રોજગારલક્ષી તાલીમ ક્ષેત્રે અગ્રેસર રહી છે, જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ તાજેતરમાં જ જોવા મળ્યું છે. સંસ્થાના ગૌરવ સમાન ૦૩ તાલીમાર્થીઓની ભારતીય સેનામાં ‘અગ્નિવીર’ તરીકે દેશસેવા માટે પસંદગી થઈ છે. આ ઉપરાંત, સંસ્થાના ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડના ૦૭ તાલીમાર્થીઓએ પણ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગમાં સરકારી નોકરી મેળવીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. આમ, આઈ.ટી.આઈ.ના શોર્ટ-ટર્મ અને લોન્ગ-ટર્મ કોર્સીસ યુવાનોને ઉજ્જવળ કારકિર્દી અને સીધી સરકારી રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડે છે.

ચાલુ વર્ષ ૨૦૨૬ની આ પ્રવેશ પ્રક્રિયામાં એડમિશન લેવા ઇચ્છુક તમામ લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ https://itiadmission.gujarat.gov.in/ પર જઈને ઓનલાઈન એડમિશન ફોર્મ ભરી શકશે. ગ્રામ્ય કે શહેરી વિસ્તારના જે ઉમેદવારોને ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી પડતી હોય અથવા યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય, તેમના માટે જામનગર જિલ્લાની તમામ આઈ.ટી.આઈ. સંસ્થાઓ ખાતે વિશેષ ‘હેલ્પ સેન્ટર’ શરૂ કરવામાં આવ્યા છે. આ હેલ્પ સેન્ટરો પર આવીને તાલીમાર્થીઓ કોઈપણ પ્રકારના ચાર્જ વગર, સંપૂર્ણપણે વિનામૂલ્યે પોતાનું એડમિશન ફોર્મ ભરાવી શકશે.

આથી, જામનગર જિલ્લાના રોજગાર મેળવવા ઈચ્છુક તેમજ ટેકનિકલ-ઔદ્યોગિક ક્ષેત્રે કૌશલ્ય વર્ધન કરી આગળ વધવા માંગતા તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને વહેલી તકે આ પ્રવેશ પ્રક્રિયાનો લાભ લેવા અને તા. ૨૩ જૂન પહેલાં પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લેવા આચાર્ય દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application