જામનગર શહેરમાં દિવાળીના તહેવારોને લઈને કેટલાક વિક્રેતાઓ, કે જેઓ કોઈપણ પ્રકારનું લાયસન્સ કે મંજૂરી મેળવ્યા વિના ગેરકાયદે રીતે ફટાકડાનું વેચાણ કરી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે દિગ્વિજય પ્લોટ, પવનચક્કી, સુમર કલબ રોડ, રાજપાર્ક તેમજ રોજી પંપ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી મંજૂરી વીના ફટાકડા વેચી રહેલા ૯ વિક્રેતાઓને ઝડપી લીધા છે, અને તેઓ સામે ફરીયાદ નોંધી હતી.
જામનગરના પવનચક્કી વિસ્તારમાં ફટાકડાનું વેચાણ કરી રહેલા મહેશ નરશીભાઈ નામના દેવીપુજક વેપારી કે જેની પાસે કોઈપણ પ્રકારનું લાયસન્સ કે મંજુરી ન હોવા છતાં ફટાકડાનું વેચાણ કરી રહ્યા હોવાથી પોલીસ દ્વારા તેની અટકાયત કરી લઈ તેની સામે સિટી-એ. ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઉપરાંત ઓશવાળ સર્કલ વિસ્તારમાંથી મંજૂરી વિના ફટાકડાનું વેચાણ કરી રહેલા અક્ષય વિજયભાઈ નંદા, ઉપરાંત મોહિત સુભાષભાઈ નંદા અને કિશન કેશુભાઈ ચુડાસમાને પણ મંજૂરી વિના ફટાકડાનું વેચાણ કરતાં પકડી પાડ્યા છે, અને તમામ સામે સીટી-એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઉપરાંત સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા એરફોર્સ રોડ પર રોજી પંપ પાસે દરોડો પાડી જાહેરમાં લાઇસન્સ વિના ફટાકડાનું વેચાણ કરી રહેલા રાજેશ નારણભાઈ ઠાકેડાની અટકાયત કરી લઈ તેની સામે પણ જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. તે જ રીતે રોઝી પંપ નજીકના વિસ્તારમાં લાઇસન્સના ફટાકડાનું વેચાણ કરી રહેલા દિપક પરસોત્તમભાઈ સદારંગાણી નામના વેપારીની પણ અટકાયત કરી લઇ તેની પાસેથી ફટાકડાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.
તેમજ સુમેર કલમ રોડ પર અલ્કેશ શાંતીલાલ ગંઢા ફાયર એનઓસી મેળવ્યા વીના જાહેરમાં માંડવો રાખી ફટાકડાનું વેચાણ કરતા મળી આવ્યો હતો, રાજપાર્કના ઢાળીયા પાસે વિજય હેમત ઠાકેડા લાયસન્સ વીના જાહેરમાં ફટાકડાનું વેચાણ કરતા ઝપટે ચડયો હતો અને રાજપાર્ક પાસે વિજય વલ્લભ મકવાણા નામનો શખ્સ લાયસન્સ વીના ફટાકડાનું જાહેરમાં વેચાણ કરતા ભંગ બદલ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.