જામનગરમાં ભેજ અને ગરમ વાતાવરણથી ચામડીના રોગમાં ચિંતાજનક ઉછાળો
આજકાલ પ્રતિનિધિ
જામનગર
જામનગરમાં ભેજ અને ગરમ વાતાવરણથી ચામડીના રોગમાં ચિંતાજનક વધારો થયો છે. શહેરીની સરકારી જી.જી.હોસ્પિટલના સ્કીન વિભાગમાં રોજ ૫૦૦ થી ૬૦૦ ઓપીડી નોંધાઇ રહી છે. જેમાં ફુગથી થતા ચેપી રોગ દાદરના ૭૦ ટકા દર્દી હોવાનું તબીબોએ જણાવ્યું છે. આટલું જ નહીં શરીરમાં ગોળાકાર લાલ ચકામા, સતત ખંજવાળ, ચામડી પર પોપડી પડવી, બળતરા અને ચામડીમાં થતો દુખાવા સહીતના લક્ષણોે જણાય તો બેદરકારી ન રાખવા અને સ્વ-ઉપચાર નહીં, ચામડીના રોગમાં જરી સારવાર કરાવવાનો મત નિષ્ણાત તબીબોએ વ્યકત કર્યો છે.
જામનગરમાં ચોમાસામાં ચોક્કસ પ્રકારના ચેપી ચામડીના રોગના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંૅધાયો છે. ખાસ કરીનેે દાદરના કેસ સૌથી વધુ જોવા મળી રહ્યા છે. જી.જી.હોસ્પિટલના સ્કીન વિભાગના પ્રોફેસર અને એચઓડી ડો.દેવલબેન વોરાએ જણાવ્યું હતું કે, હાલમાં સ્કીન વિભાગમાં રોજની ૫૦૦ થી ૬૦૦ દર્દીની ઓપીડી નોંધાઇ છે. જેમાંથી ૭૦ ટકા દર્દીઓ દાદરના જોવા મળી રહ્યા છે. વધુમાં તેણીએ જણાવ્યું હતું કે, દાદરએ ફૂગ (ડર્માટોફાઇટ) દ્વારા થતો ચેપી રોગ છે, જેમાં ચામડી પર ગોળાકાર લાલ ચકર ઉપસી આવે છે, સાથે તીવ્ર ખંજવાળ, બળતરા અને પોપડી પડવા તથા ચામડી ઊખડવાના લક્ષણો જોવા મળે છે. દાદર શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે, પરંતુ સાથળ, બગલ, કમર, ગળા, હાથ, પગ અને ગરદન જેવા ભેજવાળા ભાગોમાં તેનું પ્રમાણ સૌથી વધુ નોંધાય છે.
ચોમાસામાં ભેજ અને ગરમ વાતાવરણ ફૂગના વિકાસ માટે સૌથી અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરે છે. વધુ પડતો પરસેવો, લાંબા સમય સુધી ભીના કપડાં પહેરી રાખવા, ટાઈટ જીન્સ,ભીના મોજાં તથા વ્યક્તિગત સ્વચ્છતાનો અભાવ દાદરના જોખમને વધારે છે. એટલું જ નહીં, સંક્રમિત વ્યક્તિના ટુવાલ, કપડાં, પથારી કે અન્ય વ્યક્તિગત વસ્તુઓના ઉપયોગથી પણ આ ચેપ ખૂબ જ ઝડપથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. ગોળાકાર લાલ ચકામા, સતત ખંજવાળ, ચામડી પર પોપડી પડવી, બળતરા અથવા ચામડીમાં થતો દુખાવો થાય છે અનેે દાદરનો ચેપ ધીમે ધીમે શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે. આથી આ લક્ષણોને ક્યારેય નજરઅંદાજ ન કરવા જોઈએ. આથી શઆતના તબક્કે જ યોગ્ય નિદાન અને સારવાર મળે તો રોગ સંપૂર્ણપણે કાબૂમાં લઈ શકાય છે.