જામનગર જિલ્લાના ધ્રોલ ભુચરમોરી મેળાની કંકોત્રીમાં પ્રોટોકોલ ભંગનો આક્ષેપ
જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે યોજાતા ઐતિહાસિક ભુચરમોરી લોકમેળાની આમંત્રણ પત્રિકામાં સરકારી પ્રોટોકોલનો સરેઆમ ભંગ થયો હોવાનો ગંભીર આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી - જામનગર જિલ્લા પ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વશરામભાઈ એન. રાઠોડે જામનગર કલેક્ટરને લેખિત પત્ર પાઠવી ધ્રોલ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરી છે.
કલેક્ટરને પાઠવેલી રજૂઆતમાં જણાવાયું છે કે, ઐતિહાસિક ભુચરમોરી લોકમેળાનું આયોજન સરકારી વહીવટી તંત્ર દ્વારા થતું હોવાથી તે એક જાહેર અને સરકારી ઉત્સવ છે. આવા કાર્યક્રમની પત્રિકા તેમજ રૂપરેખામાં સ્થાપિત સરકારી નિયમો અને પ્રોટોકોલનું પાલન કરવું અનિવાર્ય બને છે. તેમ છતાં, ધ્રોલ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા નિયમોને નેવે મૂકીને માત્ર સત્તાધારી ભાજપ સંગઠનના હોદ્દેદારોના નામો જ સરકારી પદાધિકારીઓની જેમ છાપવામાં આવ્યા છે.
નિયમ અનુસાર જો સરકારી કાર્યક્રમની પત્રિકામાં રાજકીય સંગઠનના હોદ્દેદારોના નામો સામેલ કરવા હોય, તો તમામ માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોના હોદ્દેદારોને પણ સમાન સ્થાન અને સન્માન મળવું જોઈએ. તેના બદલે ચીફ ઓફિસરે પદની ગરિમા ભૂલી એકતરફી કામગીરી કરીને એક જ પક્ષના એજન્ટ તરીકે વર્તન કર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જે લોકશાહીના સિદ્ધાંતો અને વહીવટી તટસ્થતાની વિરુદ્ધ છે. આ સમગ્ર મામલે કલેક્ટર તાત્કાલિક નોંધ લઈ પ્રોટોકોલ ભંગ બદલ ચીફ ઓફિસર સામે કાયદેસરની કાર્યવાહી કરે તેમજ ભવિષ્યમાં આવા કાર્યક્રમોમાં સમાનતા જળવાય તેવા કડક આદેશો આપે તેવી માંગણી કરવામાં આવી છે.