BREAKING NEWS

જામનગરના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં ગેરરીતિ-પ્રદૂષણનો આક્ષેપ,તપાસની માંગ

  • October 06, 2026 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  ↵

જામનગરના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં ગેરરીતિ-પ્રદૂષણનો આક્ષેપ,તપાસની માંગ

​​​​​​​આજકાલ કાર્યાલય 
જામનગર 
જામનગરમાં કાર્યરત ઘનકચરામાંથી વીજ ઉત્પાદન કરતા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની કામગીરી સામે ગંભીર ગેરરીતિ, પર્યાવરણીય પ્રદૂષણ, દુર્ગંધ અને તંત્રની બેદરકારીના આક્ષેપો સાથે મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય નીતિન  માડમે ગુજરાતના રાજ્યપાલને રજૂઆત કરી સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ શહેરમાં ગીચ વસતીની નજીક કાર્યરત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ વારંવાર ચાલુ-બંધ થતો હોવાથી ઘનકચરાના નિકાલની સમસ્યા સર્જાય છે. પ્લાન્ટની કામગીરી દરમિયાન કચરાના ઢગલા, દુર્ગંધ અને જીવાતની સમસ્યા ઊભી થતી હોવા ઉપરાંત તેના કારણે સ્થાનિક નાગરિકોના આરોગ્ય સામે જોખમ ઊભું થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્લાન્ટ દ્વારા સરકાર સાથે કરવામાં આવેલા કરારની શરતોનું પાલન થાય છે કે કેમ, જરૂરી પ્રોસેસિંગ વ્યવસ્થા, પર્યાવરણ સુરક્ષાના પગલાં, ગેસ નિયંત્રણ તથા લીચેટ ટ્રીટમેન્ટની વ્યવસ્થા યોગ્ય રીતે કાર્યરત છે કે કેમ તે અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા મહાનગરપાલિકા સમક્ષ અગાઉ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં માત્ર નોટિસો આપીને મામલો પડતો મૂકવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ ં કરવામાં આવ્યો છે.

​​​​​​​આ ઉપરાંત પ્લાન્ટ સંચાલક કંપનીને મળેલી સરકારી સહાય, બેંકો મારફત મળેલા નાણાં, વિવિધ મહાનગરપાલિકાઓ સાથે થયેલા કરારો તથા જામનગરના પ્રોજેક્ટની કામગીરીની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. જાહેર નાણાંના સંભવિત દુરુપયોગના આક્ષેપોને પગલે આર્થિક ગુના શાખા અથવા સીબીઆઈ જેવી સ્વતંત્ર એજન્સી મારફત તપાસ કરાવવા અને અસરગ્રસ્ત નાગરિકોના આરોગ્ય માટે જરૂરી તબીબી કેમ્પ તથા સારવારની વ્યવસ્થા કરવા માંગ કરી છે. કરારભંગ અથવા નાણાકીય નુકસાન સાબિત થાય તો જવાબદાર કંપની પાસેથી વસૂલાત તથા જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application