BREAKING NEWS

જામનગર: ચાંદી બજાર સર્કલમાં યુવતીની છેડતીના આક્ષેપથી હોબાળો

  • August 28, 2026 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ચાંદી બજાર સર્કલમાં યુવતીની છેડતીના આક્ષેપથી હોબાળો

વેપારીઓ અને લોકોના ટોળાં એકત્ર થતાં ટ્રાફિકજામ: પોલીસ દોડી આવી, ફરિયાદ માટે તજવીજ

જામનગર શહેરના ચાંદી બજાર સર્કલ વિસ્તારમાં એક રિક્ષા ચાલક દ્વારા યુવતીની છેડતી કરવામાં આવી હોવાના આક્ષેપને પગલે ભારે હોબાળો મચી ગયો હતો. બનાવની જાણ થતાં ચાંદી બજારના વેપારીઓ, સોની વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને ઘટનાને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

બનાવને પગલે સમગ્ર ચાંદી બજાર વિસ્તારમાં ગરમાવો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોના ટોળાં એકત્ર થઈ જતાં ઘટનાની જાણ ૧૦૦ નંબરની પોલીસ સેવાને કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ ટુકડી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી.

ચાંદી બજારના વેપારીઓ અને સોની વેપારીઓ સહિતના આગેવાનો એકત્ર થઈ સમગ્ર મામલાને જામનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકે લઈ ગયા હતા. દરમિયાન જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા સ્થાનિક વોર્ડના કોર્પોરેટર ધીરેનભાઈ મોનાણી સહિતના આગેવાનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
યુવતી સાથે છેડતી કર્યાના આક્ષેપ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બીજી તરફ, ચાંદી બજાર વિસ્તારમાં લોકોના ટોળાં એકત્ર થઈ જતાં વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી અને ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. પોલીસે લોકોને સમજાવી ભીડને નિયંત્રિત કરી વાહનવ્યવહારને પુન: સુચારૂ બનાવવાની કામગીરી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application