જામનગર શહેરનો ઔધોગીક વિકાસ વેગવંતો, શેખપાટ જીઆઇડીસીમાં ૧૮૨ પ્લોટની ફાળવણી
ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રે છોટી કાશી અને બ્રાસ સિટી તરીકે વિશ્વભરમાં જાણીતા જામનગરના ઔદ્યોગિક વિકાસમાં એક વળાંક આવ્યો છે. જામનગર નજીક નવનિર્મિત શેખપાટ જીઆઇડીસી ઔદ્યોગિક વસાહતમાં પ્લોટ મેળવવા આતુર ઉદ્યોગ સાહસિકોની રાહનો આખરે સુખદ અંત આવ્યો છે. ગાંધીનગર ખાતે બુધવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અત્યાધુનિક પારદર્શક કોમ્પ્યુટરાઈઝ્ડ પદ્ધતિ દ્વારા પ્લોટ ફાળવણીનો ડ્રો સંપન્ન કરવામાં આવ્યો હતો. આ મહત્વપૂર્ણ પ્રસંગે જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ એમ. પટેલ, મંત્રી જીગ્નેશભાઈ બી. લાવટી, કારોબારી સભ્યો, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમણીકભાઈ અકબરી તથા જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયા સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવવંતો બનાવ્યો હતો. એસોસિએશનના હોદ્દેદારોએ નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી ઉદ્યોગકારોના વિવિધ પ્રશ્નો અને વિકાસ કાર્યોમાં મળતા સતત સહકાર બદલ સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઇડીસી) દ્વારા આયોજિત આ ડ્રો પરિણામોના સત્તાવાર આંકડા મુજબ, શેખપાટ વસાહતમાં કુલ ૧,૯૬,૨૦૧.૨૮ ચોરસ મીટર જેટલા વિશાળ ક્ષેત્રફળમાં પથરાયેલા વિવિધ કદના કુલ ૧૮૨ ઔદ્યોગિક પ્લોટ સફળ અરજદારોને ફાળવવામાં આવ્યા છે. જેમાં ઉદ્યોગોની જરૂરિયાત મુજબ ૫૦૦ ચો.મી. સુધીના ૫૪ પ્લોટ (૨૬,૭૧૦.૨૯ ચો.મી.), ૫૦૧ થી ૧૦૦૦ ચો.મી.ના ૬૮ પ્લોટ (૬૩,૮૭૯.૦૭ ચો.મી.), ૧૦૦૧ થી ૧૫૦૦ ચો.મી.ના ૨૮ પ્લોટ (૩૭,૨૮૩.૧૩ ચો.મી.), ૧૫૦૧ થી ૨૦૦૦ ચો.મી.ના ૨૦ પ્લોટ (૩૬,૩૦૦.૨૪ ચો.મી.) તેમજ ૨૦૦૧ થી ૨૯૯૯ ચો.મી. કેટેગરીના ૧૨ મોટા પ્લોટ (૩૨,૦૨૮.૫૫ ચો.મી.) નો સમાવેશ થાય છે. નિયમ મુજબ પારદર્શક ઓટીપી તથા જનરલ સિલેક્શન પ્રક્રિયા દ્વારા સ્થાનિક તથા અન્ય જિલ્લાના લઘુ-મધ્યમ ઉદ્યોગકારો અને ઉત્પાદકોને સફળતાપૂર્વક પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય સરકારના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના સંકલ્પને સાકાર કરતાં આ પ્રસંગે સમગ્ર ગુજરાતના ૧૪,૮૫૩ જેટલા ઔદ્યોગિક લાભાર્થીઓને સિંગલ ક્લિક દ્વારા સીધી તેમના બેંક ખાતામાં કુલ ા.૧,૧૦૦.૧૯ કરોડની જંગી નાણાકીય પ્રોત્સાહક સહાય જમા કરવામાં આવી હતી. ખાસ કરીને એમએસએમઇ (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ) એકમો માટે પ્રોત્સાહનો મેળવવામાંથી ફરજિયાત બેંક લોનની જટિલ શરત નાબૂદ કરીને પ્રક્રિયાઓને અત્યંત સરળ બનાવી દેવામાં આવી છે. રાજ્યમાં પારદર્શક રીતે કુલ ૪૦૭ ઔદ્યોગિક પ્લોટ ફાળવાયા છે, જ્યારે મોટા ઉદ્યોગો તરફથી ૩૪૬ થી વધુ રોકાણ દરખાસ્તો મળી છેજેમાં અન્ય રાજ્યોમાંથી પરત ફરેલા ૨૭ મેગા પ્રોજેક્ટ્સ પણ સામેલ છે. આ પગલાંથી જામનગર પંથકમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હજારો યુવાનો તથા મહિલાઓ માટે રોજગારીની સુવર્ણ તકો ઊભી થશે, જે રાજ્ય સરકારની ઔદ્યોગિક કટિબદ્ધતા અને ગતિશીલ નેતૃત્વની સાક્ષી પૂરે છે.