નથુરામ ગોડસેના નાટકનો રાજકોટમાં વિરોધ થયા બાદ રવિવારે જામનગરમાં પણ આ શો ટાઉનહોલમાં યોજવામાં આવતા કોંગ્રેસના કાર્યકરોએ જોરદાર વિરોધ કરી સુત્રોચાર કરી બેનર ફાડી નાખતા આયોજકોએ આ શો રદ કર્યો હતો. અને કોંગ્રેસના કાર્યકરોએ ગાંધીજી અમર રહોનાં નારા લગાવ્યા હતા.
જાણવા મળતી વિગત પ્રમાણે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ પોલીસ સ્ટેશનમાં એક લેખિત અરજી કરી હતી. અને રવિવારે યોજાનારા હું નથુરામ ગોડસેનો શો રદ કરવા માંગણી કરી હતી.
ત્યારબાદ ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આ શો રદ કરવા આયોજકોને જણાવ્યું હતું. ગઇકાલે રાત્રે શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા, વિપક્ષી નેતા ધવલ નંદા, પ્રદેશ અગ્રણી સહારા મકવાણા, મહીપાલસિંહ જાડેજા સહિતનાં અગ્રણીઓએ ટાઉનહોલની બહાર સુત્રોચ્ચાર કર્યા હતા અને નાટકનું બેનર ફાડયુ હતું. ત્યારબાદ ગાંધીજી અમર રહોના નારા લગાવ્યા હતા. અને કાર્યકરોએ જણાવ્યું હતું કે ગોડસેની આતંકી વિચારધારા નહિ ચાલે, કોંગ્રેસ છે ત્યાં સુધી આ વિચારધારા ચાલવા દેવામાં નહિ આવે.
અગાઉ પણ કેટલાક લોકોએ ગોડસેની પ્રતિમા મુકવા કોશિષ કરી હતી તેને પણ તોડી પાડવામાં આવી હતી. ત્યારબાદ સીટી બી ના વી.ડી. ચૌધરી, મોઢવાડિયા સહિતના અધિકારીઓ પહોંચી જતા શાંતિપુર્ણ કાર્યક્રમ પુરો થયો હતો અને લોકો વિખેરાઇ ગયા હતા જો કે પોલીસ તરફથી કોઇની અટકાયત કરવામાં આવી ન હતી.