BREAKING NEWS

મહાઅષ્ટમીએ સુરતમાં ડબલ મર્ડરથી ખળભળાટઃ મોટા પુત્રએ માતા-નાનાભાઈને છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યા, કારણ જાણીને ચોંકી જશો

  • October 18, 2026 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે મહાઅષ્ટમી છે અને હીરાનગરી સુરત શહેરમાં ડબલ મર્ડરની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં વહેલી સવારે એક જ પરિવારના બે સભ્યોની ઘાતકી હત્યા કરવામાં આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. પારિવારિક અદાવત અને લોહીના સંબંધોને લજવતો આ કિસ્સો સામે આવતા સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા છે.


મિલકત અને દુકાનની આવક બની ખૂની ખેલનું કારણ

પ્રાપ્ત માહિતી અનુસાર, લીંબાયતની સહજાનંદ સોસાયટીમાં રહેતા પરિવારમાં મિલકતની વહેંચણી અને દુકાનોમાંથી આવતી લાખો રૂપિયાની આવકને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. વહેલી સવારે આ જ બાબતને લઈને ઘરમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. આવેશમાં આવીને મોટા પુત્રએ પોતાની સગી જનેતા અને નાના ભાઈ પર અચાનક ચપ્પુ વડે આડેધડ હુમલો કરી દીધો હતો. આ લોહીયાળ હુમલામાં માતા અને નાના ભાઈ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા અને સારવાર મળે તે પહેલા જ બંનેના કરૂણ મોત નીપજ્યા હતા.


પોલીસ કાફલો ઘટનાસ્થળે અને આગળની તપાસ શરૂ

એક જ પરિવારના બે સભ્યોની હત્યાના આ બનાવની જાણ થતાં જ લીંબાયત પોલીસ સ્ટેશનનો કાફલો અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે બંનેના મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને આરોપી મોટા પુત્રની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરી છે. વહેલી સવારે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનું મોજું ફરી વળ્યું છે.

​​​​​​​

મૂળ તેલંગાણાના વતની અને સુરતમાં સ્થાયી થયેલા તેલુગુ પરિવારના મૃતક મલેશ્વરીબેન સુદર્શન ગોડુંરુને ત્રણ પુત્રો શ્રીનિવાસ, રમેશ અને રાજુ છે. મલેશ્વરીબેન તેમના સૌથી નાના દીકરા રાજુ સાથે રહેતા હતા. મલેશ્વરીબેનના નામે ત્રણ દુકાનો આવેલી છે, જેનું અંદાજે 60,000 જેટલું માસિક ભાડું નિયમિત આવે છે. માતા નાના પુત્ર રાજુ સાથે રહેતી હોવાથી આ તમામ ભાડાની રકમ રાજુને આપતી હતી. આ વાતને લઈને મોટો પુત્ર શ્રીનિવાસ અવારનવાર નારાજગી વ્યક્ત કરતો હતો અને મિલકત તેમ જ આવકની ત્રણેય ભાઈઓ વચ્ચે સરખા ભાગે વહેંચણી કરવાની જીદ પકડીને બેઠો હતો.


મિલકત બાબતે ઘરમાં અવારનવાર વિવાદ થતો હતો. થોડા સમય અગાઉ પણ માતા મલેશ્વરીબેને મોટા દીકરા શ્રીનિવાસને સ્પષ્ટ કહી દીધું હતું કે, જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આ મિલકત કે ભાડાની કોઈ વહેંચણી કરવામાં નહીં આવે. માતાના આ નિર્ણયથી શ્રીનિવાસ મનોમન ભારે રોષે ભરાયો હતો અને નાના ભાઈ પ્રત્યે તેના મનમાં અદાવત વધી ગઈ હતી.


આ વિવાદે આજે સવારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સવારે આશરે 7:30 વાગ્યાના અરસામાં શ્રીનિવાસ લીંબાયત સ્થિત સહજાનંદ સોસાયટીના ઘરે પહોંચ્યો હતો. ત્યાં પહોંચતાં જ ફરી એકવાર મિલકત બાબતે બોલાચાલી થઈ હતી. તકરાર એટલી હદે વધી ગઈ કે આવેશમાં આવેલા શ્રીનિવાસે ઘાતક ચપ્પુ કાઢી નાના ભાઈ રાજુ અને માતા મલેશ્વરીબેન પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં બંને જમીન પર ઢળી પડ્યા હતા અને ગંભીર ઈજાઓને પગલે બંનેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.


વહેલી સવારે એક જ ઘરમાં બે સભ્યોની હત્યા થતાં સોસાયટીમાં ભય અને શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ લીંબાયત પોલીસ મથકનો કાફલો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને એફએસએલની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી છે. આરોપી મોટા પુત્ર શ્રીનિવાસ સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવાની દિશામાં પોલીસે કવાયત તેજ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application