જામનગરના ચિત્રકાર કે.એફ. અલીએ ૧૫ દિવસની મહેનત બાદ તેલચિત્ર વડે માતાજી ધરા પર પધારતા હોય તેવું આબેહૂબ દ્રશ્ય કંડારી કલા અને ભક્તિની અનન્ય મિસાલ પેશ કરી
'છોટીકાશી' તરીકે ઓળખાતા સાંસ્કૃતિક નગર જામનગરમાં નવરાત્રિના પવિત્ર પર્વે કલા અને ભક્તિએ ધર્મની સીમાઓને અતિક્રમીને કોમી એકતા તથા સદભાવનાની સુંદર મિસાલ કંડારી છે. મૂળ જામનગર જિલ્લાના આરબલુસના વતની અને પોતાના દ્વારકા વસવાટ દરમિયાન શ્રીકૃષ્ણની ભક્તિના રંગે રંગાયેલા જામનગરના પ્રખ્યાત ચિત્રકાર ખૂંભીયા ફખરૂદિન અલી ઉર્ફે કે.એફ. અલીએ નવરાત્રિ પર્વ નિમિત્તે માઁ આદ્યશક્તિનું અત્યંત મોહક અને ભાવવાહી ચિત્ર તૈયાર કર્યું છે. આ ચિત્રમાં સાક્ષાત્ માતાજી પૃથ્વી પર પધારી રહ્યા હોય તેવું મનોરમ દ્રશ્ય તેલચિત્રના માધ્યમથી કંડારવામાં આવ્યું છે. આ અદભુત કલાકૃતિને આખરી ઓપ આપવા માટે ચિત્રકારે સતત ૧૫ દિવસ સુધી ભગીરથ પરિશ્રમ કર્યો હતો.અગાઉ ભગવાન શ્રીકૃષ્ણના પણ અનેક નયનરમ્ય ચિત્રો બનાવી ચૂકેલા કે.એફ.અલીએ પવિત્ર નવરાત્રિના અવસરે માઁ અંબાનું આ અલૌકિક ચિત્ર બનાવીને સાબિત કર્યું છે કે સાચી કલા અને ભક્તિ કોઈ ચોક્કસ ધર્મના બંધનોમાં બાંધી શકાતી નથી, પરંતુ તે માનવતા અને શ્રદ્ધાના સર્વોચ્ચ શિખરને સ્પર્શે છે.