જામનગર : જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા પ્રદર્શન-સહ-વેચાણનો કાર્યક્રમ યોજાયો
જૈન સોશ્યલ ગ્રુપ નવાનગર, જામનગર દ્વારા, વર્ષ ૨૦૧૩ થી દર વર્ષે જૈન મહિલાઓ દ્વારા ઉત્પાદિત વિવિધ વસ્તુઓ, અને તેમના વ્યવસાય કે જે વેપાર કરતા હોય તે ઉત્પાદનોને યોગ્ય રીતે પ્રદર્શિત કરી અનેક લોકો સુધી પહોચાડી શકાય તે અર્થે "પ્રદર્શન-સહ-વેચાણ નું આયોજન કરવામાં આવે છે.
તા. ૨-૩-૪ ઓકટોબર, ૨૦૨૬ એમ ત્રણ દિવસ માટે કુંવરબાઈ જૈન ધર્મશાળાના બંને એ.સી. હોલમાં આયોજવામાં આવેલ પ્રદર્શન સહ વેચાણને તા. ૨.૧૦.૨૦૨૬ ને શુક્રવારે સવારે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે.
જૈન મહિલા અગ્રણીઓના વરદ હસ્તે જ ઉદ્ઘાટન કરવાની પરંપરા અનુસાર આ વખતે "પ્રદર્શન-સહ-વેચાણ" ના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જૈન મહિલા અગ્રણી અને પુજીત વીજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ના ચેર-પર્સન અને જૈન મહિલા અગ્રણી અંજલીબેન વિજયભાઈ રૂપાણી અને અતિથી વિશેષ તરીકે ભારતીય જનતા પાર્ટીના જામનગર શહેર પ્રમુખ બીનાબેન કોઠારી જોડાયા હતા.
કાર્યક્રમના આરંભમાં આરતીબેન શેઠ અને ઈશાબેન શેઠ દ્વારા નવકાર મંત્રનું પઠન કરવામાં આવેલ. અંજલીબેન વિજયભાઈ રૂપાણી, બીનાબેન કોઠારી, સૌરાષ્ટ્ર રીજીયન ના પદાધિકારીઓ તથા સંસ્થાના હોદ્દેદારોના હસ્તે દીપ-પ્રાગટ્ય કરવામાં આવેલ અને તેઓએ ઉપસ્થિત સ્ટોલ ધારકોને પ્રેરક પ્રવચન આપેલ. સ્વાગત પ્રવર્ચન સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ મહેતા દ્વારા અને આભાર વિધિ સંસ્થાના સેક્રેટરી સિદ્ધાર્થ શેઠ દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના કર્મઠ સભ્ય શરદભાઈ શેઠ દ્વારા કરવામાં આવેલ. આ ઉદ્ઘાટન પ્રસંગે શહેરની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને આગોવાનોએ ઉપસ્થિત રહી બહેનો ને સ્વાવલંબી બનાવવા ની સતત બાર વર્ષ થી ચાલતી આ પ્રવૃત્તિને બિરદાવી હતી.
જૈન સોશ્યલ ગ્રુપ નવાનગર, જામનગર દ્વારા આયોજિત પ્રદર્શન અને વેચાણ માં પ્રથમ દિવસે જ બહોળી સંખ્યામાં જન -મેદની ઉમટી પડેલ, જે જૈન સોશ્યલ ગ્રુપના કર્મઠ સભ્યોના આયોજનની સફળતાનું પ્રતિક છે. વિશેષતા એ છે કે મનો-દિવ્યાંગ બાળકોના "રોટરી આસ્થા ડે-કેર સેન્ટર" તથા અંધજન તાલીમ કેન્દ્રને ની:શુલ્ક સ્ટોલ ફાળવવામાં આવેલ છે જ્યાં દિવ્યાંગો દ્વારા બનાવવામાં આવતી અનેક વસ્તુઓ વેચાણ અર્થે મુકવામાં આવેલ છે.
આ "પ્રદર્શન અને વેચાણ" ના "ફૂડ-કોર્ટ" માં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ જૈન-વાનગીઓનો "હાઇપર એક્ટીવ ગ્રુપ" ના જામનગરના નામાંકિત જૈન પરિવારના લોકો; જાતે વાનગી બનાવી, ખુબ કિફાયતી ભાવે પ્રેમથી પીરસે છે. આ ફૂડ કોર્ટનું ધ્યાનાકર્ષક પાસું એ છે કે ફૂડ કોર્ટમાંથી ત્રણ દિવસ દમ્યાન જે નફો થાય તે "આસ્થા ડે-કેર સેન્ટર ના મનો-દિવ્યાંગ બાળકોને અર્પણ કરવામાં આવનાર છે.
"પ્રદર્શન અને વેચાણ" ના સ્થળે ત્રણેય દિવસ બાળકો માટે ગેમ-ઝોન, આઠ થી પંદર વર્ષના બાળકો માટે પેપર ક્રાફ્ટ ના વર્કશોપ જેવા વિવિધ આકર્ષણોનું પણ આયોજન કરવામાં આવેલ છે. મુલાકાતીઓના લાભાર્થે દર કલાકે લક્કી ડ્રો, રોજ રાત્રે મેગા ડ્રો અને ત્રણેય દિવસના મુલાકાતીઓના કુપનના સુપર મેગા-ડ્રોનું પણ વિશેષ આયોજન કરવામાં આવેલ છે. જૈન સોશ્યલ ગ્રુપ નાવાનગર-જામનગર દ્વારા વિવિધ ઉમદા હેતુથી, કુંવરબાઈ જૈન ધર્મશાળા ખાતે આયોજીત "પ્રદર્શન અને વેચાણ" નો તથા ફૂડ-કોર્ટમાં બનતી સંપૂર્ણ જૈન વાનગીઓનો લાભ લેવા મુલાકાત લેવા જેવી છે.