BREAKING NEWS

જામનગરમાં વધુ એક હિટ એન્ડ રન: હવે કોનો વારો ?

  • July 08, 2026 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં વધુ એક હિટ એન્ડ રન: હવે કોનો વારો...!?

ધન અપુર્વા સોસાયટી પાસે કારે બુલેટને હડફેટે લેતા દંપતિ ઘાયલ : યુવતિને ફ્રેકચર સહિતની ઇજા : ફરાર કાર ચાલક સામે રાવ: પી.એન. માર્ગ, શરૂ સેક્શન રોડ જેવા મહત્ત્વના માર્ગો પર ઘણી વખત બેફામ ગતિએ દોડતાં ફોર વ્હીલર અને ટુ-વ્હીલરને નાગણી બનાવીને ચલાવનારાઓ અવારનવાર જોવા મળે છે: શું પોલીસની ત્રીજી આંખને મોતિયો આવી ગયો છે...?

જામનગર શહેરમાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં ૮૦ ફુટ રોડ પર આવેલ ધનઅપુર્વા સોસાયટી ગેઇટ સામે પુરપાટ ઝડપે આવેલી કારે બુલેટને હડફેટે લેતા દંપતિ ફંગોળાઇ ગયુ હતું જેમાં યુવતિને પગમાં ફ્રેકચર જેવી ઇજા પહોચતા સારવારમાં ખસેડાઇ હતી બીજી બાજુ આ બનાવ અંગે નાશી ગયેલા કારચાલક સામે સીટી-એ ડીવીઝનમાં ફરીયાદ કરવામાં આવી છે.

જામનગરના પ્રણામી ટાઉનશીપ-૩ શેરી નં. ૬માં રહેતા કિર્તીકુમાર સુરેશભાઇ રામનાણી (ઉ.વ.૪૩) નામના યુવાન અને તેમના પત્ની નિયતીબેન બુલેટ મોટરસાયકલ નં. જીજે૧૦ઇજે-૨૭૧૪ લઇને ગઇકાલે ઘરતરફ જતા હતા ત્યારે ધનઅપુર્વા સોસાયટીના ગેઇટ નં. ૨ પાસેથી રોડ ક્રોસ કરતા હોય એ દરમ્યાન વીયાના પાર્ક તરફથી ફોરવ્હીલ ગાડી નં. જીજે૦૧આરએસ-૨૯૮૨ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મોટરસાયકલને હડફેટે લીધુ હતું.

જેમાં દંપતિને નીચે પછાડી દીધા હતા આ અકસ્માતમાં નિયતીબેનને પગના પંજામાં ફ્રેકચર અને શરીરે છોલછાલ જેવી ઇજા પહોચાડી ચાલક નાશી ગયો હતો, કિર્તીકુમાર દ્વારા સીટી-એ ડીવીઝનમાં ગત રાત્રીના સફેદ કલરની ફોરવ્હીલ ગાડીના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં ૩ દિવસ પહેલા નાનકપુરી રોડ પર મીની બસે બાઇકને હડફેટે લેતા વિધાર્થીનું ક‚ણ મોત થયુ હતું જેમાં નાશી ગયેલા બસના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી હતી દરમ્યાનમાં શહેરમાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ સામે આવ્યો છે, આડેધડ ભારે વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહીનો સમય પાકી ગયો છે, અત્રે નોંધનીય છે કે શહેર વિસ્તારમાં હિટ એન્ડ રનના બનાવોથી ટ્રાફિક વ્યવસ્થા અને બેફામ ગતીએ વાહન ચલાવનારાઓ સામે સવાલો ઉઠયા છે અને નિર્દોષ વાહનચાલકોને હડફેટે લેનારાઓની સામે એક ઝુંબેશ હાથ ધરવાની પણ લોક લાગણી ઉઠવા પામી છે. ૩ દિવસના ટુંકાગાળામાં હિટ એન્ડ રનનો બીજો બનાવ સામે આવ્યો છે, ત્યારે લોકોમાં એવી ચર્ચાઓ ઉઠવા પામી છે કે શહેર વિસ્તારમાં વધી રહેલા આ પ્રકારના વાહન અકસ્માતના બનાવો બાદ લગત પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહી આવતા હવે હિટ એન્ડ રનમાં કોનો વારો...? 

ચોવીસ કલાક ધબધબતા પી.એન.માર્ગ એટલે કે જી.જી. હોસ્પિટલ તરફના બેડી તરફના આખા રસ્તા પર ટ્રાફીક રહે છે અને ઘણી વખત જોવા મળ્યુ છે કે આ માર્ગ પર કેટલાક કાર ચાલકો બેફામ ગતિએ કાર હંકારતા નજરે પડે છે, ઘણા ટુ વ્હીલર વાળા તો પોતાની બાઇક અથવા એકટીવા જેવા વાહનો સર્પાકારે વાહન દોડાવે છે, વાહનોની આસપાસથી એવી રીતે નીકળે છે કે જોનારાઓની આંખો ફાટી જાય છે.

આ આખા માર્ગ પર એક જી.જી. હોસ્પિટલના પોઇન્ટ સિવાય ડીકેવી સર્કલ કે પછી વિકાસગૃહ તરફ જતા માર્ગ પર વળતા લોકો સેન્ટઆન્સ સ્કુલ પાસેના ચોક કે બેડી નજીકના બ્રીજ પાસે આવેલા ચોકમાં ભાગ્યે જ કોઇ ટ્રાફીક પોલીસ જોવા મળે છે.

આ માર્ગ પર પોલીસ તંત્રની ત્રીજી આંખ કહેવાતા કેમેરા જ‚ર છે, પરંતુ આ કેમેરાનો કોઇ ખોફ બેફામ વાહન ચલાવતા લોકોમાં જરા પણ નહિ હોવાનું નરી આંખે જોઇ શકાય છે. અરે આટલું જ નહિ પંચવટી વિસ્તાર જેવા વસ્તીથી ભરચક માર્ગો ઉપર પણ મોટા બાપના બગડેલા દિકરા બેફામ ગતિએ કાર લઇને નીકળતા હોય છે ત્યારે સ્વાભાવિક રીતે ઘરની બહાર રમતા બાળકોની સુરક્ષા સામે ખતરો સર્જાય છે. 
​​​​​​​
વન-વેનાં નિયમનું છડેચોક ઉલ્લંઘન કરવુ તો સામાન્ય બની ગયું છે આ અહેવાલની સાથે અપાયેલી ઉપરોકત તસ્વીરમાં જોઇ શકાય છે કે વન-વેના કેવા ચીથરા ઉડી રહ્યા છે આવા જ કારણે હિટ એન્ડ રનનાં બનાવો બની રહ્યાં છે. શહેરનાં સાંકડા માર્ગો પર વાહનોની અમર્યાદિત સંખ્યા અને તેમાં ઘણા વાહન ચાલકોની બેફામ ગતિએ વાહન ચલાવવાની રીત દિનપ્રતિદિન વધી રહી હોવાથી હિટ એન્ડ રનમાં કાલે કોનો વારો આવી જાય એ કાંઇ નકકી નથી જ‚રી છે કે જેટ ગતિએ વાહન દોડાવનારાઓ, ફોર વ્હીલર વાહન ચાલકો અને ટુ વ્હીલર વાહન ચાલકો સામે પોલીસ અને ટ્રાફીક પોલીસ લાલ આંખ કરે.

વન-વેની ઐસી કી તૈસી:
​​​​​​​જુઓ આજની જ આ તસ્વીર છે જેમાં ક્રિકેટ બંગલાથી જી.જી. હોસ્પિટલ તરફ જતા વન-વેનું પાલન કરાવવા બેરીકેટ મુકવામાં આવેલ છે, ટ્રાફીક વોર્ડન પણ હાજર છે છતાં કારચાલક બીન્દાસ રીતે ડર વગર વન-વેમાં કાર હંકારતા નજરે પડે છે. જેનાથી આ બાબત સાબિત થાય છે કે શહેરમાં આડેધડ વાહન હંકારતાઓને પોલીસનો કોઇ ખોફ જ રહ્યો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application