BREAKING NEWS

જામનગરના જાણીતા બાળસાહિત્યકાર કિરીટ ગોસ્વામીને 'આરિણી બાળસાહિત્ય સાધના રાષ્ટ્રીય પુરસ્કાર 2026' એનાયત થશે

  • October 19, 2026 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના જાણીતા બાળસાહિત્યકાર કિરીટ ગોસ્વામીને 'આરિણી બાળસાહિત્ય સાધના રાષ્ટ્રીય પુરસ્કાર 2026' એનાયત થશે

હિન્દી બાળગીત સંગ્રહ 'હાથીરાજા સ્કૂલ ચલે'ને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું વધુ એક બહુમાન
​​​​​​​

એક જ પુસ્તકને રાષ્ટ્રીય, આંતરરાજ્ય અને રાજ્ય કક્ષાએ ત્રણ-ત્રણ પુરસ્કાર મેળવવાનું વિશિષ્ટ ગૌરવ

જામનગરની મ્યુનિસિપલ હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને દિલ્હી સાહિત્ય અકાદમીનો બાળસાહિત્ય માટેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરી ચૂકેલા સુપ્રસિદ્ધ બાળસાહિત્યકાર કિરીટ ગોસ્વામીની વધુ એક રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત 'આરિણી બાળસાહિત્ય સંસ્થાન' દ્વારા તેમના હિન્દી બાળગીત સંગ્રહ 'હાથીરાજા સ્કૂલ ચલે' માટે 'શ્રી મુન્નીલાલ મિશ્રા બાળસાહિત્ય સાધના પુરસ્કાર 2026' એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર દેશમાંથી છેલ્લા પાંચ વર્ષના ઉત્તમ હિન્દી બાળગીતસંગ્રહ તરીકે આ પુસ્તકની પસંદગી થતાં ગુજરાતની સાહિત્યિક જગતનું શિરમોર ગૌરવ વધ્યું છે.

વિશેષ નોંધનીય છે કે કિરીટ ગોસ્વામીના આ જ પુસ્તક 'હાથીરાજા સ્કૂલ ચલે'ને આ અગાઉ 'હિન્દી સાહિત્ય અકાદમી' પારિતોષિક તેમજ ઉત્તરાખંડ સાહિત્ય સંસ્થાન દ્વારા 'બાલ પ્રહરી' રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થઈ ચૂક્યા છે. આમ, એક જ પુસ્તક રાષ્ટ્રીય, આંતરરાજ્ય અને રાજ્ય સ્તરે પુરસ્કૃત થઈને એક અનોખી સિદ્ધિ પોતાના નામે કરી રહ્યું છે.

કિરીટ ગોસ્વામીએ પરંપરાગત ઉપદેશાત્મક બાળસાહિત્યની શૈલીથી પર જઈ ૨૧મી સદીના ડિજિટલ યુગના બાળકોની માનસિકતા, ટેક્નોલોજી, ઇન્ટરનેટ અને ગૅજેટ્સને હકારાત્મક તથા મનોરંજક સ્વરૂપમાં વણી લઈને આધુનિક બાળસાહિત્યમાં એક નવી કેડી કંડારી છે. તેમણે એશિયાના સૌથી મોટા સાહિત્ય ઉત્સવ 'ઉન્મેષ'થી લઈને અંતરિયાળ ગામડાંઓ સુધી બાળકોમાં સાહિત્યનો રસ જગાડ્યો છે.

ગુજરાતી ભાષામાં ૩૫થી વધુ અને હિન્દી ભાષામાં ૪ પુસ્તકોનું સર્જન કરનાર કિરીટ ગોસ્વામીને 'ગુજરાત સાહિત્ય અકાદમી' અને 'ગુજરાતી સાહિત્ય પરિષદ' સહિત ૨૧થી વધુ એવોર્ડ-ઈનામો પ્રાપ્ત થયા છે. બાળકોમાં 'ટોપીવાળી મા' તરીકે લોકપ્રિય બનેલા ગોસ્વામી સાહેબના બાળસાહિત્ય પર વિવિધ યુનિવર્સિટીઓમાં સંશોધન-નિબંધો પણ તૈયાર થયા છે. ઉપરાંત, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોના શાળા-કોલેજના પાઠ્યપુસ્તકોમાં તેમની કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાત સહિત દેશભરના અગ્રગણ્ય દૈનિકો અને સામયિકોમાં સતત કલમ ચલાવતા અને બાળકો પ્રત્યે અતૂટ પ્રેમ ધરાવતા આ સર્જકને મળેલ આ રાષ્ટ્રીય સન્માન બદલ શિક્ષણ અને સાહિત્ય જગતમાંથી તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application