દ્વારકા જિલ્લામાં જુગાર દરોડામાં આઠ મહિલાઓ સહિત ૨૨ની અટકાયત
ગઢેચી, મોડપર, સુરજકરાડી અને સલાયામાં પોલીસ પ્રગટી : રોકડ અને સાહિત્ય કબ્જે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારે કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીમાં મીઠાપુરથી આશરે ૧૧ કિલોમીટર દૂર ગઢેચી ગામના વાડી વિસ્તારમાં રહેતા ગાંગાભા ભુપતભા સુમણીયા નામના ૨૬ વર્ષના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવીને અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડામાંથી પોલીસે ગાંગાભા ભુપતભા સાથે બહાદુરભા બબાભા નાયાણી, અનવર કાદર, આસપારભા હીરાભા, રામસિંહ માણેકભા, જુનસ ગાભાભાઈ, પોલાભા ડોસાભા, મિલાપ રોહિતભાઈ, હિરેન જયસુખભાઈ અને ગીતાબેન ભાવસંગભા નામના ૧૦ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. ૯૧,૬૭૦ ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી, ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ભાણવડ પોલીસની કાર્યવાહીમાં ભાણવડથી ૧૩ કિલોમીટર દૂર મોડપર ગામેથી મનીષાબેન ભાવેશભાઈ ગોદડીયા મંજુબેન કમલેશભાઈ, વીલીબેન કારાભાઈ, શાંતીબેન નાનજીભાઈ અને જુબીબેન આદમભાઈ નામના પાંચ મહિલાઓને રૂ. ૧૦,૨૩૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.
મીઠાપુર પોલીસે સુરજકરાડી વિસ્તારમાંથી દિપાલીબેન મસરીભાઈ મકવાણા, નિશાબેન મસરીભાઈ, બાલુભાઈ રણછોડભાઈ અને ભાવેશ રામાભાઈ નામના ચાર વ્યક્તિઓને જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા રૂ. ૧૩,૩૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામેથી હમીદ હારૂન ભાયા, આમીન ઉર્ફે જાયલી અબ્બાસ સુંભણીયા અને સાલેમામદ જુસબ ચબા નામના ત્રણ શખ્સોને તીનપત્તીને જુગાર રમતા રૂ. ૩,૭૩૦ ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા.