ડામર રસ્તાનું કામ પાકું કે તકલાદી ? ૧૮ વોર્ડમાંથી ૧૫૧ સેમ્પલ લેવાયા
ડામર રસ્તાનું કામ પાકું કે તકલાદી ? ૧૮ વોર્ડમાંથી ૧૫૧ સેમ્પલ લેવાયા
October 07, 2025 09:38 AM
રાજકોટ મહાપાલિકા દ્વારા હાલ સમગ્ર શહેરના તમામ ૧૮ વોર્ડમાં ડામર કામ ચાલી રહ્યું છે ત્યારે કામ નિયમ મુજબ અને નિર્ધારિત ધોરણો અનુસાર પાકું થઇ રહ્યું છે કે લોટ, પાણીને લાકડા જેવી કામગીરી થઇ રહી છે તે ચકાસવા માટે પેવર તેમજ અન્ય મટીરીયલ સહિતના કુલ ૧૫૧ સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
આ વર્ષે ઓછો વરસાદ છતાં વધુ ખાડા તેમજ ગેરંટીવાળા રોડ ઉપર પણ ખાડા પડ્યા તે સહિતના મુદે ભારે હોબાળો મચતા ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનાથી ડામરકામ શરૂ કરાયું ત્યારથી સેમ્પલિંગ ઝુંબેશ ચાલી રહી છે. રાજકોટમાં નબળી ગુણવત્તા સાથેનું ડામરકામ થતું હોવાનું નાગરિકોની વ્યાપક ફરિયાદો છે ત્યારે આ વખતે પ્લાન્ટ ઉપરથી રવાના થતી દરેક ગાડી અને જ્યાં ડામરકામ ચાલુ હોય તે દરેક રોડ ઉપરથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. તદ ઉપરાંત ગણતરીના કલાકોમાં આ તમામ સેમ્પલના રિપોર્ટ બંધ કરવામાં કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવતા જાણવા મળે છે. અલબત હાલ સુધીમાં કોઈ સેમ્પલ ફેઇલ થયા અંગેની કે સેમ્પલ ફેઇલ થયા બાદ કરાયેલી શિક્ષાત્મક કાર્યવાહી, પેનલ્ટી વિગેરેની કોઇ વિગતો જાહેર કરવામાં આવી નથી.