BREAKING NEWS

જામનગર: મોટી બાણુગારમાં સમાજવાડીની દીવાલ તોડી પડાતા ચકચાર : ૧૦ સામે એટ્રોસિટી

  • October 14, 2026 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: મોટી બાણુગારમાં સમાજવાડીની દીવાલ તોડી પડાતા ચકચાર : ૧૦ સામે એટ્રોસિટી

આંબેડકરવાડીના બાંધકામ મુદ્દે ઘર્ષણ : હડધુત કરી મારામારી અને ધમકીનો આક્ષેપ

જામનગર તાલુકાના મોટી બાણુગાર ગામમાં અનુસૂચિત જાતિના સમાજ માટે બનાવવામાં આવી રહેલી સમાજવાડીના બાંધકામને લઈને વિવાદ સર્જાયો છે. આ વિવાદ દરમિયાન સમાજના લોકોને જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહી મારામારી કરવામાં આવી હોવાની તેમજ ટ્રેક્ટર વડે આંબેડકરવાડીની દીવાલ તોડી પાડવામાં આવી હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. આ મામલે પંચકોશી એ ડિવિઝન પોલીસે કુલ દસ શખ્સો સામે એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

આ બનાવ અંગે મોટી બાણુગાર ગામે રહેતાં આશાબેન જાદવે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે  ફરિયાદ મુજબ ગત તા. ૧૩ના રોજ તેમના પુત્રને બાલમંદિરમાંથી લેવા માટે નીકળ્યાં હતાં. તે દરમિયાન તેમના ઘરની પાછળ આવેલી શેરીમાં તેમના સમાજની આંબેડકરવાડીનું બાંધકામ ચાલી રહ્યું હોય, તે બાબતે કેટલાક શખ્સો સમાજના લોકો સાથે બોલાચાલી અને ઝઘડો કરી રહ્યા હતા. 

આ દરમિયાન રતુભાઈ ગામીએ સમાજના લોકો વિરુદ્ધ જાતિ વિષયક અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરાંત ટીનાભાઈ પટેલે ગુલશનભાઈ નામના વ્યક્તિને ધક્કો મારી જમીન પર પાડી દેતાં તેમને મોઢાના ભાગે ઈજા પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. નરેન્દ્રભાઈ રાજાભાઈ નામના વ્યક્તિને પણ ઢીકા-પાટુનો માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. વધુમાં રતુભાઈનો પુત્ર દીપ ટ્રેક્ટર લઈને આવ્યો હતો અને એક અજાણ્યા શખ્સે ટ્રેક્ટર વડે આંબેડકરવાડીની દીવાલ તોડી પાડી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. અન્ય એક ટ્રેક્ટર વડે પણ દીવાલ તોડી નુકસાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ દરમિયાન સમાજના લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી તમામે ગેરકાયદે મંડળી બનાવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

બનાવ અંગે ૧૧૨ ઇમરજન્સી સેવામાં જાણ કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિવાદને શાંત પાડ્યો હતો. આ મામલે આશાબેન જાદવ દ્વારા  રતુભાઈ ગામી, નીલેશભાઈ ગામી, સુરેશભાઈ ગામી, રમેશભાઈ ગામી, થોભણભાઈ ગામી, અંકિતભાઈ ભેસદડીયા, તુષારભાઈ ભેસદડીયા તથા ટીનાભાઈ પટેલ, દીપ રતુભાઇ અને એક અજાણ્યા શખ્સો સામે પંચકોશી-એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩), ૧૮૯, ૧૯૦, ૧૯૧, ૩૨૪(૨) તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.આ બનાવની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application