BREAKING NEWS

જામનગર: પીઠડ ગામમાં દીકરા અને પુત્રવધૂએ માતા-પિતા પર કર્યો હિંચકારો હુમલો 

  • July 14, 2026 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: પીઠડ ગામમાં દીકરા અને પુત્રવધૂએ માતા-પિતા પર કર્યો હિંચકારો હુમલો 

કુહાડી-ધોકા  વડે હુમલો કરતા ફ્રેકચર સહિતની ઇજા : આરોપીના ભાઇએ કરેલા પ્રેમલગ્નનો ખાર કારણભુત : નાના ભાઈને પણ માર માર્યાની પોલીસ ફરિયાદ

જોડિયા તાલુકાના પીઠડ ગામે ભાઇએ કરેલા પ્રેમલગ્નનો ખાર રાખી સગા દીકરા અને તેની પત્નીએ માતા-પિતા સહિત ૩ સભ્યો પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. પ્રેમ લગ્ન કરેલ યુવાન બીજે રહેતો હોય અને સામાન લેવા આવતા આરોપી ભાઇ ઉશ્કેરાયો હતો અને કુહાડી ધોકા અને ઢીકાપાટુ વડે માર માર્યાનું પોલીસમાં જાહેર થયું છે.

ફરિયાદી સવિતાબેન રમેશભાઈ અઘારિયા (ઉંમર ૫૦), રહે. પીઠડ ગામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો નાનો દીકરો કિશન કે જેણે આશરે સાત મહિના પહેલાં યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે ફરીયાદીના બીજા દિકરા આરોપી સુનિલને ગમતુ ન હોય દરમ્યાનમાં કિશન તેની પત્ની મીરાબેન સાથે ધ્રોલ રહેતો હોવાથી તેની ઘરવખરીનો થોડો સામાન પીઠડ સ્થિત માતા-પિતાના ઘરે પડ્યો હતો. તા. ૧૨ની રાત્રે કિશન, તેની પત્ની મીરાબેન, સાસુ સવિતાબેન તેમજ ફરિયાદી પરિવારના ઘરે સામાન લેવા આવ્યા હતા.

તે દરમિયાન ફરિયાદીનો બીજો દીકરો સુનિલ અને તેની પત્ની પીન્ટુબેન ત્યાં આવી પહોંચ્યા હતા. પ્રેમલગ્નનો ખાર રાખી બંનેએ કિશન અને તેની પત્નીને ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો. માતા-પિતા વચ્ચે પડી સમજાવવા જતાં સુનિલે હાથમાં રહેલી કુહાડીના ઊંધા ઘા પોતાની માતા સવિતાબેનના કપાળ અને ડાબા કાન પાસે માર્યા હતા. પીન્ટુબેને લાકડાના ધોકાથી ફરિયાદીના પતિ રમેશભાઈના જમણા હાથમાં ઘા મારતા તેમને ફ્રેક્ચર થયું હતું. ઝઘડો દરમિયાન કિશનને પણ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો.
​​​​​​​
ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક સારવાર માટે ધ્રોલ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે સુનિલ અને તેની પત્ની પીન્ટુબેન વિરુદ્ધ મારામારી, ધમકી તથા અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application