જામનગરમાં ચાલુ રિક્ષાએ ફિલ્મી સ્ટાઇલમાં યુવાન પર ધારીયા વડે હુમલો
યુવકના ગળા અને પાછળના ભાગે ગંભીર ઇજા : બે શખ્સ સામે રાવ
જામનગર શહેરમાં જૂની અદાવતનો ખાર રાખીને એક યુવક પર જાહેર માર્ગ પર ચાલતી રિક્ષામાંથી ધારીયા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં યુવકના ગળાના આગળ અને પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી શહેઝાદભાઈ સલીમભાઈ મકરાણી (ઉં.વ. ૩૪), રહે. કિશાન ચોક નજીક મકરાણી કબ્રસ્તાન ગેટ પાસે, જામનગર, વાહન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. ૨૦ના રોજ બપોરે આશરે સાડા બાર વાગ્યે તેઓ પોતાના મિત્ર નઈમ બ્લોચ સાથે મોટરસાયકલ પર પવનચક્કી વિસ્તારથી પોતાના ઘરે જઈ રહ્યા હતા.
તે દરમિયાન હર્ષદ મિલની ચાલી પાસે રજવાડી હોટલ સામે પહોંચતા પાછળથી આવેલી એક રિક્ષા તેમની બાજુમાં આવી હતી. રિક્ષાની પાછળની સીટમાં બેઠેલા કામીલ જાનમામદ બ્લોચ (રહે. ટીટોડીવાડી, જામનગર)ના હાથમાં લોખંડનું ધારીયું હતું. આરોપીએ ચાલતી રિક્ષામાંથી જ ફરિયાદીના ગળાના આગળના ભાગે ધારીયાનો ઘા ઝીંક્યો હતો. હુમલાથી ફરિયાદીએ મોટર સાયકલની ગતિ ધીમી કરી દેતા રિક્ષા પણ ધીમી પડી હતી.
આ દરમિયાન કામીલ બ્લોચ રિક્ષામાંથી નીચે ઉતરી આવ્યો હતો અને ધારીયાનો બીજો ઘા ફરિયાદીના ગરદનના પાછળના ભાગે માર્યો હતો. હુમલાના કારણે પાછળ બેઠેલા મિત્ર નઈમ નીચે પડી ગયા હતા. ત્યારબાદ આરોપીએ ફરી એક વખત ધારીયાનો ઘા મારી ફરિયાદીના ડાબા ખભાના ભાગે ઇજા પહોંચાડી હતી.
ફરિયાદ અનુસાર આરોપી કામીલ બ્લોચે ગાળો આપી આજે તને જાનથી મારી નાખવો છે તેવી ખુલ્લી ધમકી આપી હતી અને ફરિયાદીની પાછળ દોડ્યો હતો. બીજી તરફ રિક્ષા ચાલકે પણ રિક્ષામાંથી બીજું લોખંડનું ધારીયું કાઢી મિત્ર નઈમની પાછળ દોડ લગાવી હતી. દરમ્યાનમાં ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
શહેજાદભાઇ દ્વારા કામીન જાનમામદ બ્લોચ અને અજાણ્યા રીક્ષાચાલક સામે સીટી-એ ડીવીઝનમાં ફરીયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે ફરીયાદીને આરોપી કામીલના પિતા સાથે છ મહીના પહેલા માથાકુટ થઇ રહતી જેનો ખાર રાખીને આરોપી પુત્રએ રીક્ષામાં આવીને આ હુમલો કર્યો હતો.