BREAKING NEWS

વિદ્યાર્થીઓની એવરેજથી ઓછી હાજરી હશે તો 25% થી 100% સુધી ગ્રાન્ટ કપાશે

  • December 22, 2025 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓની ઘટતી જતી સંખ્યા ચિંતાનો વિષય બની છે અને તેના પર રોક લગાવવા માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ શાળાઓ સામે ગ્રાન્ટ કાપનું હથિયારો ઉગામવામાં આવ્યું છે.

શહેરી અને ગ્રામ્ય વિસ્તારની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની સરેરાશ હાજરી કેટલી હોવી જોઈએ ?અને કેટલી હાજરી હોય તો કેટલી ગ્રાન્ટ કાપવી ? તે બાબતે સરકાર દ્વારા સત્તાવાર પરિપત્ર કરવામાં આવ્યો છે. આ મુજબ જો શહેરી વિસ્તારમાં 60% થી ઓછી અને ગ્રામ્ય વિસ્તારમાં 40% થી ઓછી હાજરી હશે તો તેવા કિસ્સામાં સો ટકા ગ્રાન્ટ કાપવામાં આવશે. જો શહેરી વિસ્તારમાં 80% થી વધુ અને ગ્રામ્ય વિસ્તારમાં 55% થી વધુ વિદ્યાર્થીઓની એવરેજ હાજરી હશે તો આવી શાળાઓ સામે ગ્રાન્ટ કાપનું હથિયાર ઉગામવામાં નહીં આવે.

ગ્રાન્ટેડ શાળાઓ માટે સરકારે 2017 માં ગ્રાન્ટ માટેની જે પોલીસી નક્કી કરી છે તેનો અત્યારે અમલ થાય છે. આ મુજબ એક થી પાંચ વર્ગ હોય તો તેવી શાળાને પ્રતિ માસ રૂપિયા 3000 ફિક્સ ગ્રાન્ટ પેટે આપવામાં આવે છે. જે શાળામાં વર્ગની સંખ્યા છ થી 30 હોય તેવી શાળાને પ્રતિ વર્ગ દીઠ રૂપિયા 2500 અને 30થી વધુ વર્ગ હોય તો પ્રતિ વર્ગખંડ દીઠ રૂપિયા 1,650 દર મહિને ગ્રાન્ટ પેટે ચૂકવવામાં આવે છે.

શહેરી વિસ્તારની જો કોઈ શાળામાં 75 થી 89 % સરેરાશ સ્ટુડન્ટ પ્રેઝન્ટ હશે તો તેવા કિસ્સામાં 25% ગ્રાન્ટ કાપ મુકવામાં આવશે. 70 થી 74% વચ્ચેની હાજરીવાળી શાળામાં 50% ગ્રાન્ટ કાપ રહેશે. 65 થી 69% એવરેજ હાજરીવાળી શાળાઓની ગ્રાન્ટમાં 75% કાપ આવશે. 60 થી 64 ટકા હાજરીવાળી શાળાઓને 80% ગ્રાન્ટ કાપ સહન કરવો પડશે અને જો વિદ્યાર્થીની હાજરી 60% થી ઓછી હશે તો શાળાઓને ગ્રાન્ટ ના નામે કશુ મળશે નહીં.

શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગ્રાન્ટેડ શાળાઓમાં ઘણી વખત વિદ્યાર્થીઓની વધુ હાજરી દર્શાવીને વધારાના વર્ગખંડની મંજૂરી મેળવવામાં આવતી હોય છે. થોડો સમય ગ્રાન્ટ ચાલુ રાખવા માટે વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવવામાં આવે છે પરંતુ ત્યાર પછી સંખ્યા ઘટી જાય છે અને ગ્રાન્ટ ચાલુ રહે છે. આ પરિસ્થિતિ નિવારવા માટે હવે શાળા સંચાલકોની જવાબદારી નક્કી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application