BREAKING NEWS

જામનગરમાં ડ્રાયફ્રૂટની દુકાનો અને ફટાકડા સ્ટોલો પર તંત્રની તવાઇ

  • November 05, 2026 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ડ્રાયફ્રૂટની દુકાનો અને ફટાકડા સ્ટોલો પર તંત્રની તવાઇ

​​​​​​​જામનગરમાં દિવાળીના તહેવારો પૂર્વેં ડ્રાયફ્રુટની દુકાનો અને ફટાકડા સ્ટોલો પર તંત્રએ તવાઇ બોલાવી છે. શહેરના દિગ્વિજય પ્લોટ, ખોડીયાર કોલોની, ગુલાબનગર રોડ પર ચેકીંગ કર્યું હતું. આથી ધંધાર્થીઓમાં ભારે દોડધામ મચી ગઇ છે.  જામનગરના બજારોમાં ડ્રાયફ્રૂટની માંગમાં વધારો થયો છે, ત્યારે ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને શુદ્ધતા જળવાઈ રહે તે હેતુથી જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ડ્રાયફ્રૂટના વેપારીઓને ત્યાં તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જયારે ગુલાબનગર વિસ્તારમાં એસ્ટેટ શાખા દ્વારા ફટાકડાના સ્ટોલમાં આકસ્મિક ચેકીંગ કરાયું હતું.  

શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં  ફૂડ શાખાની ટીમ વેપારીઓની દુકાનોમાં ત્રાટકી હતી અને વિવિધ ડ્રાયફ્રૂટના નમૂના એકત્રિત કર્યા હતા. આ નમૂનાઓ ગુણવત્તા અને શુદ્ધતાની ચકાસણી માટે પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. દિવાળીના તહેવારો દરમિયાન ડ્રાયફ્રૂટ સહિત વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓની ખરીદીમાં વધારો થતો હોવાથી ફૂડ વિભાગ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા ડ્રાયફ્રૂટના વેપારીઓને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતાને પગલે વેપારી આલમમાં દોડધામ મચી છે. ઉલ્લેખનીય છે કે, તહેવારોના સમયમાં બજારમાં ભેળસેળયુક્ત, હાનિકારક રંગોનો ઉપયોગ કરેલી તેમજ હલકી ગુણવત્તાવાળી ખાદ્ય ચીજવસ્તુઓના વેચાણની શક્યતા વધી જતી હોય છે. આવા સંજોગોમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સતર્કતા દાખવીને સતત તપાસ અને નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. લેબોરેટરીના પૃથ્થકરણ અહેવાલ બાદ નમૂનાઓ અંગેની હકીકત સ્પષ્ટ થશે.બીજી બાજુ આજે સવારે એસ્ટેટ શાખા, પોલીસ અને ફાયર શાખા દ્વારા ખોડીયાર કોલોની અને ગુલાબનગર વિસ્તારમાં આવેલા ફટાકડાના સ્ટોલો પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. આથી વેપારીઓમાં દોડધામ મચી ગઇ હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application