વિશ્વ હડકવા દિવસ નિમિત્તે જામનગર જિલ્લાના નાઘેડી કુમાર શાળામાં જાગૃતિ પ્રવૃત્તિ યોજાઈ
વિશ્વ હડકવા દિવસ નિમિત્તે જામનગર જિલ્લાના નાઘેડી ગામની કુમાર શાળામાં હડકવા (Rabies) અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે વિશેષ અવેરનેસ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકાર અને EMRI Green Health services ના સંયુક્ત ઉપક્રમે કાર્યરત હરતું ફરતું પશુ દવાખાનું, જામનગરના પ્રોગ્રામ મેનેજર ડૉ. મોહમ્મદ શોએબ ખાનના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ પ્રવૃત્તિમાં પશુચિકિત્સકો, EMT તથા પાઇલટ્સે ભાગ લીધો હતો.
આ વર્ષે વિશ્વ હડકવા દિવસની “Stronger Together” થીમને અનુરૂપ, હડકવા સામેની લડતમાં સૌના સહકાર અને સહભાગિતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને હડકવાથી બચાવના ઉપાયો, કૂતરા કે અન્ય પ્રાણીના કરડવાના કિસ્સામાં રાખવાની સાવચેતી તેમજ સમયસર સારવાર અને રસીકરણના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ હડકવા નાબૂદી માટે સૌના સહકારથી કાર્ય કરવાનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને વિવિધ ઇમરજન્સી સેવાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં 108 ઇમરજન્સી સેવા, 1962 પશુ એમ્બ્યુલન્સ સેવા, 181 મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન, ખિલખિલાટ સેવા અને 112 ઇમરજન્સી સેવા સહિતની સેવાઓની કામગીરી અને ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રવૃત્તિ દરમિયાન 108 એમ્બ્યુલન્સ, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ તથા હરતું ફરતું પશુ દવાખાનુંની કામગીરી અંગે પ્રત્યક્ષ ડેમો પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેથી વિદ્યાર્થીઓને ઇમરજન્સી સેવાઓ અને પશુ સારવારની વ્યવસ્થાનો પ્રાયોગિક પરિચય મળી શકે.
કાર્યક્રમના અંતે પ્રવૃત્તિ દરમિયાન આપવામાં આવેલી માહિતીમાં રસપૂર્વક ભાગ લેનારા અને યોગ્ય જવાબ આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિશ્વ હડકવા દિવસની આ જાગૃતિ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં હડકવા અંગે વૈજ્ઞાનિક સમજણ વિકસાવવા સાથે પશુપ્રેમ, જવાબદારી અને ઇમરજન્સી સેવાઓ અંગેની જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.