દેવભૂમિ દ્વારકા: નારી વંદન સપ્તાહ – ૨૦૨૬: "બેટી બચાવો બેટી પઢાઓ" દિવસની ઉજવણી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, મોટી ખોખરી ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક અને સકારાત્મક ઉપયોગ કરવા તથા સાયબર સુરક્ષા અંગે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શિત કરાઇ
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, મોટી ખોખરી ખાતે "નારી વંદન ઉત્સવ–૨૦૨૬" અંતર્ગત "બેટી બચાવો બેટી પઢાવો દિન" ની ઉજવણીના ભાગરૂપે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી પી.પી. જાદવ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત કિશોરીઓ અને યુવતીઓને સાયબર સેફ્ટી અને સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઓનલાઈન છેતરપિંડી, સાયબર બુલિંગ, ફેક એકાઉન્ટથી સાવચેત રહેવું, OTP અને પાસવર્ડ કોઈની સાથે શેર ન કરવા, અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા પહેલાં સાવચેતી રાખવી તેમજ સોશિયલ મીડિયા પર વ્યક્તિગત માહિતી, ફોટા અને લોકેશન શેર કરતા પહેલાં વિચારવું જોઈએ તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
વધુમાં, મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો, શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવી તેમજ કોઈપણ પ્રકારના ઓનલાઈન શોષણ અથવા હેરાનગતિનો ભોગ બન્યે તરત જ માતા-પિતા, શિક્ષક અથવા સંબંધિત અધિકારીને જાણ કરવાની સલાહ આપવામાં આવી હતી. સાથે જ સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક અને સકારાત્મક ઉપયોગ કરીને સુરક્ષિત ડિજિટલ જીવન જીવવા માટે દીકરીઓને પ્રેરિત કરવામાં આવી હતી.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ઉપસ્થિત ફિમેલ હેલ્થ વર્કર કરમૂર પૂજાબેન દ્વારા કિશોરીઓને માસિક સ્વચ્છતા (Menstrual Hygiene), એનિમિયા તથા હિમોગ્લોબિન (HB) અંગે આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન દ્વારા મહિલાઓ અને કિશોરીઓ માટે સરકાર દ્વારા અમલમાં રહેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન તેમજ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના કર્મચારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.