BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૨૬ ઓક્ટોબર સુધી કોઈપણ જાતની પરવાનગી વગર સભા કે સરઘસો કાઢવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

  • October 14, 2026 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૨૬ ઓક્ટોબર સુધી કોઈપણ જાતની પરવાનગી વગર સભા કે સરઘસો કાઢવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા તહેવારોની સિઝન ધ્યાને લઈને કોઈપણ પ્રકારની સુલેહ શાંતિ ભંગ ન થાય, જાહેર સલામતી અને કાયદાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ- ૩૭(૩) હેઠળ મળેલ સત્તાની રૂએ કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. 

પરવાનગી વગર જાહેર જગ્યા / રોડ ઉપર સામાન્ય સંજોગો સિવાય ચાર કરતા વધારે માણસોને કોઈ સભા બોલાવવા કે ભરવા ઉપર કોઈપણ જાતની સભા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ તા.૨૬/૧૦/૨૦૨૬ના ૨૩.૫૯ કલાક સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકાર ક્ષેત્ર હેઠળના વિસ્તારમાં લાગુ પડશે. 

ઉપરાંત, સભા, સરઘસ, રેલી કે ધરણાની મંજૂરી અંગે અરજદારે એકથી વધારે પોલીસ સ્ટેશનનો વિસ્તાર આવતો હોય તો તેવા સંજોગોમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રીને અરજી કરવી. પરંતુ એક જ પોલીસ સ્ટેશન વિસ્તાર આવતો હોય તો તેવા સંજોગોમાં જે તે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર/ સબ ઇન્સ્પેક્ટરને દિન -૭ પહેલા અરજી કરી પૂર્વ મંજૂરી મેળવી લેવાની રહેશે. આપેલ શરતોનો ચુસ્તપણે બિનચુક અમલ કરવાનો રહેશે અને શરતોનો ભંગ થયે  પરવાનગી રદ બાતલ થયેલ ગણાશે તેમજ આયોજક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સભા, સરઘસ, રેલી, ધરણા દરમ્યાન ઉપરોક્ત શરતોનો ભંગ કરે અથવા કોઈ અનિચ્છનીય બનાવ બને તો સંપૂર્ણ જવાબદારી પરવાનેદારની રહેશે. સભા, સરઘસ, રેલી, ધરણા દરમ્યાન જાહેર જગ્યામાં અથવા જાહેરમાં સાંભળી શકાય તેવી જગ્યામાં માઈક સિસ્ટમ / વાજિંત્રનો ઉપયોગ અધિકૃત કરેલ અધિકારીની લેખિત પરવાનગી સિવાય કરી શકાશે નહીં તેમજ અવાજનું પ્રદૂષણ ફેલાવી શકાશે નહીં. આવી પરવાનગી માટેની અરજી લેખિત હોવી જોઈએ અને તેનો ઉપયોગ કરનાર વ્યક્તિની તેના પર સહી હોવી જોઈએ. કોઈ ઑડિટોરિયમ, કોન્ફરન્સ હોલ, કમ્યુનિટી હોલ કે ખાનગી મકાન જેવા બંધ સ્થળોએ ધાર્મિક કે સામાજિક કે અન્ય કોઈ પણ પ્રકારની સભા કે કાર્યક્રમ કરવા અંગે કોઈ મંજૂરી લેવાની જરૂરિયાત રહેતી નથી તેમજ મ્યુઝિક સિસ્ટમ અંદરના ભાગે વગાડવા ઉપર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ તેવો અવાજ જે તે સ્થળેથી બહાર જવો જોઈએ નહીં. સભા, સરઘસ, રેલી, ધરણા દરમ્યાન માઇક સિસ્ટમ વાજિંત્રનો પરવાનો ધરાવનાર વ્યક્તિ આસપાસના રહેવાસીઓ અથવા રાહદારીઓને અડચણ, હરકત, અગવડ, જોખમ, ભય કે નુકશાન અટકાવવા માટે સક્ષમ અધિકારી યોગ્ય લાગે તેટલી મુદત માટે તેને માઇક સિસ્ટમ / વાજિંત્ર વાપરવાની મનાઈ કરવાનો હુકમ કરી શકશે. ફરજ પરના પોલીસ અધિકારી દ્વારા ઉપર જણાવેલ નિયમો તથા પરવાનગી પત્રમાં દર્શાવેલ વિસ્તાર અને સમય અંગે કોઈ ભંગ થાય તો વાહન તથા માઇક સિસ્ટમ/ વાજિંત્ર અને તેના ઉપકરણો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી શકાશે. 
​​​​​​​આ જાહેરનામું સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેવી વ્યક્તિઓ, હોમગર્ડ કે અન્ય સરકારી / અર્ધસરકારી એજન્સીઓ જેઓ કાયદેસર ફરજ પર હોય તેઓને તથા સ્મશાન યાત્રા અને લગ્નના વરઘોડા તેમજ નવરાત્રી અનુસંધાને થતા ગરબાની ભીડને લાગી પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application