બાંગ્લાદેશીઓ હાલાર છોડો : આ વખતે આંદોલન નહીં એકશન
જામનગરમાં ૧૧ શંકાસ્પદોની સધન પુછતાછ અને ડોકયુમેન્ટ વેરીફીકેશન કામગીરી ખંભાળિયામાં શંકાસ્પદ વિદેશી નાગરિક ઝડપાયો : ગેરકાયદે વસવાટ કરનારાઓ સામે પોલીસનું વિશેષ અભિયાન : તપાસ એજન્સીઓ સક્રિય
હાલાર સહિત રાજયભરમાં ગેરકાયદે ઘુસણખોરી કરીને વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે પોલીસ તંત્ર દ્વારા મીડનાઇટ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે, જે અંતર્ગત શંકાસ્પદોની સધન પુછતાછ અને જરૂરી ડોકયુમેન્ટ વેરીફીકેશન સહિતની તપાસ કામગીરી ચાલી રહી છે, બાંગ્લાદેશીઓ ભારત છોડો કારણ કે આ વખતે ભુતકાળના આંદોલનનો આશરો નહી પરંતુ એકશનનો વખત છે. ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં જામનગરના સીટી-એ, સીટી-બીના બેડેશ્ર્વર અને પંચકોશી વિસ્તારમાંથી ૧૦ જેટલા શંકાસ્પદોને અટકમાં લઇ સધન પુછતાછ અને આધાર, પુરાવા ચકાસવામાં આવી રહયા છે જે તપાસના અંતે સાચી વિગતો સામે આવશે, દેવભુમી દ્વારકામાં ૧ શંકાસ્પદ બાંગ્લાદેશી પકડાયો છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શંકાસ્પદોની હાલ ચાલી રહેલી તપાસ કાર્યવાહી બાદ મોડેથી આ અંગેની સત્તાવાર આંકડાકીય માહિતીઓ જાહેર કરાશે.
રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધી કાઢવા માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત હાલાર પંથક સહિત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ પોલીસ ટીમો દ્વારા મોડી રાત્રે ચકાસણી અને તપાસની કામગીરી કરવામાં આવી હતી.
આ દરમિયાન ખંભાળિયા વિસ્તારમાંથી એક શંકાસ્પદ વિદેશી નાગરિકને સ્થાનિક ગુના શોધક શાખા (એલસીબી) દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલા વ્યક્તિને પોલીસ મથકે લઈ જઈ તેની ઓળખ, ભારતમાં પ્રવેશનો માર્ગ, નિવાસસ્થાન અને અન્ય વિગતો અંગે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, જિલ્લામાં વિવિધ સ્થળોએ ચેકિંગ દરમિયાન શંકાસ્પદ હિલચાલ ધરાવતા કેટલાક લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. ખંભાળિયામાં થયેલી આ કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય ગુપ્તચર અને તપાસ એજન્સીઓ પણ સક્રિય બની છે. જોકે, સમગ્ર મામલે સત્તાવાર રીતે કોઈ વિગતવાર જાહેરાત કરવામાં આવી નથી.
તપાસ એજન્સીઓ દ્વારા એવી દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે ગેરકાયદે રીતે દેશમાં પ્રવેશ કરનારા લોકોને કોણ આશરો આપે છે અને તેઓ કયા માધ્યમથી અલગ અલગ વિસ્તારોમાં પહોંચે છે. પ્રાથમિક માહિતી મુજબ કેટલાક કિસ્સાઓમાં આવા લોકો રોજમજૂરી અથવા અન્ય નાના મોટા કામકાજ સાથે સંકળાઈ જાય છે અને ત્યારબાદ વિવિધ વિસ્તારોમાં સ્થાયી થવાનો પ્રયાસ કરતા હોવાનું સામે આવ્યું છે.
સુરક્ષા એજન્સીઓના મતે, ગેરકાયદે પ્રવેશ અને વસવાટની પ્રવૃત્તિઓને રોકવા માટે સરહદી વિસ્તારો ઉપરાંત આંતરિક જિલ્લાઓમાં પણ સતત ચકાસણી જરૂરી બની છે. રાજ્યવ્યાપી આ અભિયાન આગામી દિવસોમાં વધુ તેજ બનાવવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજયભરમાં ચાલી રહેલી બાંગ્લાદેશીઓને શોધી કાઢવાની કાર્યવાહી અંતર્ગત જામનગરમાં ૯૬ ને ચેક કરાયા હતા જેમાં ૧૦ જેટલા શકમંદોની પુછપરછ કરવામાં આવી રહી છે, જયારે દ્વારકામાં પણ અસંખ્યને ચેક કરાયા હતા જેમાં બે શંકાસ્પદ બાબતે ચકાસણી ચાલી રહી છે, એવી પણ વિગતો જાણવા મળી છે કે બાંગ્લાદેશથી આવતા અપરણીત લોકો ભારતમાં કાયમી વસવાટ મેળવવા માટે નવા કીમીયા અજમાવે છે, કેટલાક સ્થાનીક સાથે મેરેજ કરી લે છે અને પોતાના નામ બદલી નાખે છે. અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકા અને જામનગરમાં અગાઉ બાંગ્લાદેશી નાગરીકો પકડાઇ ચુકયા છે, ચોકાવનારી વિગત એવી પણ જાણવા મળી છે કે ઘુસણખોરીની કાળી કમાણીનું નેટવર્ક ચાલી રહયુ છે જેમાં ૨૫ હજાર જેવી રકમમાં બાંગા નદી પાર કરાવીને એજન્ટો ઘુસણખોરી કરાવે છે.