BREAKING NEWS

દ્વારકા-ખંભાળિયામાં વીજ લાઈનો સામે ઈસુદાન ગઢવીની લડત

  • October 06, 2026 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા-ખંભાળિયામાં વીજ લાઈનો સામે ઈસુદાન ગઢવીની લડત

દેવભૂમિ દ્વારકા અને ખંભાળિયા પંથકમાં વીજ કંપની દ્વારા નાખવામાં આવનારી હાઈટેન્શન લાઈનોને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મોટો ખુલાસો કરતા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોને જાગૃત થવા હાકલ કરી છે. તેમણે જાગો દ્વારકાવાસીઓ જાગો નું આહ્વાન કરતાં જણાવ્યું છે કે એક્મે સન પાવર પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા આ વિસ્તારમાં કરોળિયાના જાળાની જેમ ૨૨૦ ઊંટની વીજ લાઈનો નાખવાનું આયોજન ચાલી રહ્યું છે, જે બાબતે સ્થાનિક લોકોને અંધારામાં રાખવામાં આવ્યા છે.
​​​​​​​
ઈસુદાન ગઢવીએ રાજકીય નેતાઓ અને આગેવાનો પર ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે, જે રાજકીય આગેવાનો આ પ્રોજેક્ટમાંથી મલાઈ ખાવાના છે તેઓ ક્યારેય સામાન્ય જનતા કે ખેડૂતો સુધી આ અંગેની સાચી માહિતી પહોંચવા દેશે નહીં. આ સમગ્ર પ્રક્રિયામાં નિયમ મુજબ ગ્રામજનો પાસે વાંધા અરજી નોંધાવવા માટે માત્ર બે મહિનાનો સમય ઉપલબ્ધ છે. જો નિયત સમયગાળામાં વાંધા અરજી નહીં આપવામાં આવે તો સરકાર એવું માની લેશે કે સ્થાનિક ખેડૂતોને આ લાઈનો સામે કોઈ વાંધો કે વિરોધ નથી, જેના પરિણામે ખેડૂતોની જમીનો અને ખેતીને મોટો ફટકો પડી શકે છે.

ખેડૂતોને હિંમત આપતાં આપ પ્રદેશ પ્રમુખે ખાતરી આપી હતી કે કોઈ પણ ખેડૂતે ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેઓ ખેડૂતોની પડખે મક્કમતાથી ઊભા છે. તેમણે જાહેરાત કરી કે તેઓ પોતે ગામડાઓમાં ટેબલ નાખીને બેસશે અને અસરગ્રસ્ત ખેડૂતોની વાંધા અરજીઓ તૈયાર કરાવશે. આ તમામ અરજીઓને યોગ્ય સ્તરે આગળ મોકલવાની અને તેની લડત લડવાની જવાબદારી પણ તેઓ ઉપાડશે. છેલ્લે તેમણે તમામ ગ્રામજનો અને ખેડૂતોને પોતાના અધિકારો પ્રત્યે સજાગ બની સમયસર વાંધા અરજી કરવા જાહેર અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application