BREAKING NEWS

ભારતીય રેલવેની વૈકલ્પિક મુસાફરી વીમા યોજનાનો લાભ હવે પીઆરએસ કાઉન્ટર પર આરક્ષિત ટિકિટ બુક કરાવનારા મુસાફરોને પણ મળશે

  • October 26, 2026 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય રેલવેની વૈકલ્પિક મુસાફરી વીમા યોજનાનો લાભ હવે પીઆરએસ કાઉન્ટર પર આરક્ષિત ટિકિટ બુક કરાવનારા મુસાફરોને પણ મળશે

27 ઑક્ટોબર, 2026થી સુવિધા અમલી; ડિજિટલ ચુકવણી અને મોબાઇલ નંબર ફરજિયાત

ભારતીય રેલવે પોતાની હાલની વૈકલ્પિક મુસાફરી વીમા યોજના (OTIS)નો વિસ્તાર કરીને 27 ઑક્ટોબર, 2026થી પોતાના સમગ્ર નેટવર્કમાં પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટર પર આરક્ષિત ટિકિટ બુક કરાવનારા મુસાફરોને પણ આ સુવિધા પૂરી પાડશે.આઈઆરસીટીસી (IRCTC) દ્વારા ઈ-ટિકિટ બુક કરાવતા મુસાફરો માટે ઉપલબ્ધ આ યોજના હવે રેલવે રિઝર્વેશન કાઉન્ટર પરથી આરક્ષિત ટિકિટ ખરીદનારા પાત્ર મુસાફરો માટે પણ ઉપલબ્ધ થશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ વીમા સુવિધા સંપૂર્ણપણે વૈકલ્પિક રહેશે. આ સુવિધા માત્ર એવા જ મુસાફરોને આપવામાં આવશે જેઓ વીમાનો વિકલ્પ પસંદ કરશે, મોબાઇલ નંબર આપશે અને ડિજિટલ માધ્યમથી ચુકવણી કરશે. લાગુ વીમા પ્રીમિયમ ટિકિટ ભાડા સાથે લેવામાં આવશે તથા ભાડું અને પ્રીમિયમ, બંનેની ચુકવણી માત્ર ડિજિટલ માધ્યમથી જ કરવાની રહેશે.લાગુ નિયમો અને શરતો મુજબ, પ્રીમિયમ તમામ કર સહિત મુસાફર દીઠ 45 પૈસા છે. આ યોજના માત્ર ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ છે, જેમની ટિકિટની સ્થિતિ બુકિંગ સમયે કન્ફર્મ, આરએસી (RAC) અથવા આંશિક રીતે કન્ફર્મ હોય. વીમાનો વિકલ્પ પસંદ કરવામાં આવે ત્યારે તે એક જ પીએનઆર (PNR) હેઠળ બુક થયેલા તમામ પાત્ર મુસાફરો પર લાગુ થશે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો જેમનું બુકિંગ બર્થ/સીટ વગર કરવામાં આવ્યું હોય, તેઓ વીમા હેઠળ આવરી લેવામાં આવશે નહીં, જ્યારે પાંચથી અગિયાર વર્ષની વયના બાળકો બર્થ સાથે કે બર્થ વગર પણ પાત્ર રહેશે.

પોલિસી હેઠળ આવરી લેવાયેલ રેલ અકસ્માત કે અપ્રિય ઘટનાના કિસ્સામાં આ યોજના હેઠળ મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ દિવ્યાંગતા માટે ₹10 લાખ, કાયમી આંશિક દિવ્યાંગતા માટે ₹7.50 લાખ સુધી તેમજ ઈજાના કારણે હોસ્પિટલમાં દાખલ થઈને સારવાર કરાવવાના ખર્ચ માટે ₹2 લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. પૉલિસીના નિયમો અને શરતોને આધીન પાર્થિવ દેહના પરિવહન માટે ₹10,000નો લાભ પણ આપવામાં આવે છે.

મુસાફરોને મુસાફરી વીમા સંબંધિત પોતાનો વિકલ્પ નોંધવાની સુવિધા આપવા માટે રિઝર્વેશન માંગણી પત્રક (રિઝર્વેશન ફોર્મ)માં સુધારો કરવામાં આવ્યો છે. સુધારેલું ફોર્મ પશ્ચિમ રેલવેના તમામ પીઆરએસ કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કેન્દ્રો પર મુસાફરોને આ સુવિધા તથા તેના માટે ડિજિટલ ચુકવણી અને મોબાઇલ નંબરની જરૂરિયાત અંગે માહિતી આપવા માટે જાહેરાતો પણ કરવામાં આવશે. રિઝર્વેશન સ્ટાફ મુસાફરોને વીમાના વિકલ્પ અને નિર્ધારિત પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપશે.

વીમા પોલિસીની વિગતો મુસાફરના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. મુસાફરોએ બુકિંગ પછી ઉપલબ્ધ કરાવવામાં આવેલી લિંકનો ઉપયોગ કરીને સંબંધિત વીમા કંપનીની વેબસાઇટ પર નોમિનેશન (વારસદાર) સંબંધિત વિગતો ભરવી જોઈએ. મૃત્યુ સંબંધિત દાવાઓનું સમાધાન જાહેર કરાયેલા નોમિનીની તરફેણમાં કરવામાં આવશે અથવા નોમિનીની વિગત નોંધાયેલ ન હોય તો કાનૂની વારસદાર પ્રમાણપત્ર કે ઉત્તરાધિકાર પ્રમાણપત્રના આધારે કાનૂની વારસદારોની તરફેણમાં કરવામાં આવશે. યોજનાના હાલના નિયમો અને શરતો પીઆરએસ કાઉન્ટર પરથી કરાયેલા બુકિંગ પર પણ લાગુ થશે. પોલિસી જારી કરવાની અને દાવાઓના સમાધાનની જવાબદારી સંબંધિત વીમા કંપનીની રહેશે.

આ સુવિધાનો લાભ લેવા ઇચ્છુક મુસાફરોને વિનંતી છે કે તેઓ સુધારેલા રિઝર્વેશન માંગણી પત્રકમાં પોતાનો વિકલ્પ સ્પષ્ટપણે નોંધે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application