ખંભાળીયામાં જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો
મહાનુભાવોના હસ્તે જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનાં નવ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરાયા
શિક્ષક દિવસની ઉજવણીરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ’શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ’ રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણજારિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. શિક્ષણ વિભાગ અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ જિલ્લા શિક્ષણ પરિવારના સંયુક્ત ઉપક્રમે આ સમારોહ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન (જૂની જી.વી.જે. હાઈસ્કુલ) જામખંભાળિયા ખાતે યોજાયો હતો.
આ તકે સાંસદ જીતેન્દ્રભાઈ કણજારિયા કહ્યું હતું કે, ૫મી સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શિક્ષક દિન ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષણવિદ્ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. બાળકોના જીવન ઘડતરમાં શિક્ષકનું અમૂલ્ય યોગદાન હોય છે. કોઈપણ વ્યક્તિની સફળતાઓ અને પ્રગતિમાં શિક્ષકનો ફાળો હોય જ છે. તેમણે એવોર્ડ પામનાર શિક્ષકોને શુભેરછાઓ પાઠવી હતી તેમજ બાળઘડતર માટે કાર્યરત અન્ય તમામ શિક્ષકોને પણ બિરદાવ્યા હતા.
શિક્ષક દિનની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક કક્ષાના કુલ ૦૬ અને માધ્યમિક કક્ષાના કુલ ૦૩ શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને મહાનુભાવોના હસ્તે જિલ્લા તેમજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા કક્ષાએ ઓડેદરા રૂપલબેન ભાયાભાઈ - શ્રી ચંદ્રવાડા પ્રાથમિક શાળા, ગોકાણી કલ્પેશ ધનસુખલાલ - શ્રી વી.એચ હાઇસ્કુલ,ડો. રણમલ કુરજી પરમાર - શ્રી જુવાનપુર પ્રાથમિક (કુમાર) શાળા તેમજ તાલુકા કક્ષાએ માત્ર પ્રાથમિક શાળાના શિક્ષકોમાં જસ્મીનકુમાર વસંતલાલ માકડીયા - ભાણખોખરી તાલુકા શાળા, ગોસ્વામી બિંદીયાબેન રમેશભાઈ - શ્રી ધતુરીયા પ્રાથમિક શાળા, જોષી અશોકભાઈ દિલીપભાઈ - શ્રી ગોકલપર પ્રાથમિક શાળા, રિમ્પલબેન કે. સોલંકી - પી. એમ શ્રી વરવાળા પ્રાથમિક શાળા, ડો. બિન્દુબેન અનંતરાય મહેતા - શ્રી આંબરડી પ્રાથમિક શાળા, ગોસાઇ આશિષ સવગર, પી. એમ શ્રી રૂપામોરા પ્રાથમિક શાળાને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ શિક્ષકોને મહાનુભાવો દ્વારા શાલ ઓઢાડીને તેમજ જિલ્લા કક્ષાએ રૂ.૧૫૦૦૦નો તેમજ તાલુકા કક્ષાએ રૂ.૫૦૦૦નો ચેક, પ્રશસ્તિપત્ર અને મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યાં હતા.
શ્રેષ્ઠ શાળાઓ તરીકે જી.એમ.ડી.સી. હાઈસ્કુલ- નંદાણા, એસ.એન.ડી.ટી. હાઈસ્કુલ - ખંભાળિયા, નાલંદા પ્રાથમિક શાળા - મોરઝરના પ્રતિનિધિરૂપે તેમના આચાર્યોને સન્માનિત કરવામાં આવ્યાં હતા. આ અવસરે મહાનુભાવોના હસ્તે વિવિધ શાળાઓમાં કાર્યરત ૩૮ શિક્ષણ સહાયકોને મદદનીશ શિક્ષક તરીકેના નિમણૂંક ઓર્ડર વિતરિત કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે, સોલંકી સુરેન્દ્રભાઇ -કોરાડા વાડી શાળા, તા.દ્વારકાને પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં રાજયપાલના હસ્તે શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક રાજય પારિતોષિક આપીને સન્માનિત કરાયા છે.
આ કાર્યક્રમમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધન જાડેજા દ્વારા તેમજ આભારવિધી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. શિક્ષક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી અવસરે શિક્ષણ સંઘના પ્રતિનિધિ, તાલીમ ભવનના આચાર્ય સહિતના અધિકારીઓ, કર્મચારીઓ તથા આમંત્રિત શિક્ષકો અને તેમના પરિજનો ઉપસ્થિત રહ્યા હતા.