જામનગર બન્યું શિવમય, શિવમંદીરોમાં દેવાધિદેવને ભસ્મ આરતી, રૂદ્વાભિષેક
શિવાલયોની નગરીમાં શ્રાવણ મહીનાના પ્રથમ સોમવારે હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠયા, ભાવીકોએ ભાવભેર કરી પૂજા-અર્ચના
છોટી કાશી તરીકે પ્રખ્યાત અને નાના-મોટા અનેક શિવાલયોથી શોભતા નવાનગર જામનગરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. વહેલી સવારથી જ શહેરના વિવિધ શિવાલયોમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને અનેક સ્થળોએ દર્શન માટે કતારો જોવા મળી હતી. સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવભક્તોએ વહેલી સવારથી જ ભગવાન ભોળાનાથના દર્શન કરી બિલિપત્ર અર્પણ કર્યા હતા. અનેક ભક્તોએ જલાભિષેક અને રુદ્રાભિષેક સહિતની પૂજા-અર્ચના કરી ભગવાન શિવને રીઝવવા પ્રાર્થના કરી હતી. જામનગરના પુરાણપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, નગરની મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર, તેમજ જળેશ્વર મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર અને મણીકંકેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી.
શિવાલયોમાં પહોંચેલા ભાવિકોએ શિવલિંગ પર જળાભિષેક કરી, બિલ્વપત્ર અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરી દર્શનનો લ્હાવો લીધો હતો. શ્રાવણ માસના પ્રથમ સોમવારને લઈને અનેક શિવ મંદિરોમાં વિશેષ ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. દરમિયાન, વર્તમાન સમયમાં કોલેરા અને ચાંદીપુરા સહિતના રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાના સફાઈ તંત્ર દ્વારા શહેરના વિવિધ શિવાલયોના આસપાસના વિસ્તારોમાં તકેદારીપૂર્વક સફાઈ કામગીરી કરવામાં આવી રહી હતી. ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મંદિર પરિસરોની સ્વચ્છતા જાળવવા પણ ખાસ કાળજી લેવામાં આવી હતી.
શહેરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટતા હોવાથી પોલીસ વિભાગ અને હોમગાર્ડના જવાનોને વિવિધ શિવાલયોના દ્વારે બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા હતા. જ્યારે મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને વાહન વ્યવહાર સરળ રહે તે માટે શિવમંદિરોની આસપાસ ટ્રાફિક પોલીસના જવાનોને પણ ફરજ પર મૂકવામાં આવ્યા હતા.