BREAKING NEWS

જામ્યુકોના પદાધિકારીઓની પસંદગીથી ભાજપમાં કહી ખુશી કહી ગમ

  • May 28, 2026 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામ્યુકોના પદાધિકારીઓની પસંદગીથી ભાજપમાં કહી ખુશી કહી ગમ


અહો વિચિત્રમ: સંભવત: પ્રથમ વખત એક જ વોર્ડને બે મહત્વના પદ અપાતા ખુદ ભાજપના નગરસેવકો અને આગેવાનો માથુ ખંજવાળી રહ્યા છે


ક્ષત્રિય સમાજની બાદબાકી: વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પદાધિકારીઓની  જ્ઞાતિ આધારીત વરણીનું ગણીત ગળે ઉતરતું નથી: કોઇનું પણ નહીં ચાલ્યું હોવાની રાજકીય ગલીઆરીઓમાં ભારે ચર્ચા: મોવડીઓએ પોતાના મનની કરી 


જામનગર મહાનગરપાલીકાની નવી ટર્મના પદાધિકારીઓની પસંદગીથી સ્થાનિકકક્ષાએ ભાજપમાં કહી ખુશી કહી ગમનો માહોલ છવાયો છે. મનપાના પદાધિકારીઓના ઇતિહાસમાં સંભવત: પ્રથમ વખત એક જ વોર્ડને બે મહત્વના પદ અપાતા ખુદ ચૂંટાયેલા ભાજપના નગરસેવકો અને આગેવાનો માથુ ખંજવાળી રહ્યા છે. મનપાની ચૂંટણીમાં કુલ ૬૦ માંથી ક્ષત્રિય સમાજના ૮ નગરસેવક ચૂંટાયા હોવા છતાં પદાધીકારીઓની પસંદગીમાં ક્ષત્રિય સમાજની બાદબાકી ભારે ચર્ચાનો વિષય બની છે. આથી વર્ષ-૨૦૨૭માં આવતી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને પદાધિકારીઓની જ્ઞાતિ આધારિત વરણીનું ગણીત ગળે ઉતરતું નથી. મનપાના સતાધીશોની પસંદગી માટે નગરસેવકોએ લોબીંગ સાથે ભાજપના અલગ અલગ જૂથે એડી ચૌટીનું જોર લગાવ્યું હોવા છતાં કોઇનું પણ નહી ચાલ્યાની રાજકીગ ગલીયારીઓમાં ભારે ચર્ચા છે અને મોવડીઓએ પોતાનું ધાર્યું કરતા કેટલાક નગરસેવકો અને આગેવાનોના દીલ કે અરમા આસુંઓ મેં બેહ ગયે તેવો તાલ સર્જાયો છે. 


જામનગર મહાનગરપાલીકાની ૬૪ બેઠકની ચૂંટણીમાં ભાજપની પેનલ વોર્ડ નં.૧૨ સિવાય તમામ ૧૫ વોર્ડમાં વિજેતા થતાં પ્રથમ વખત ૬૦ બેઠક મળી હતી. મનપાની ચૂંટણીના પરિણામના એક મહીના પછી ગઇકાલે ૫ વર્ષની નવી ટર્મના અઢી વર્ષના સમયગાળા માટે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક તથા સ્ટેન્ડીંગ કમીટીના ૧૨ સભ્યોની વરણી થઇ હતી.

મનપાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતી મળતા પદાધીકારીઓ બનવા માટે નગરસેવકો તલપાપડ બન્યા હતાં. આટલું જ નહીં પરિણામ આવ્યા બાદ નગરસેવકોએ તુરંત જ હોદા મેળવવા માટે લોબીંગ શરૂ કરી દીધું હતું. બીજી બાજુ પોતાના માનીતા અને જૂથના નગરસેવકોને પદ મળે અને પક્ષમાં પોતાનું કેટલું વર્ચસ્વ છે અને ઉપર કેટલું ચાલે છે તે પુરવાર કરવા ભાજપના જુદા-જુદા જૂથો પણ મેદાને પડ્યા હતાં અને એડી ચૌટીનું જોર લગાવ્યું હતું. નવાઇની વાત તો એ છે કે, ગઇકાલે પદાધિકારીઓની વરણીની છેલ્લી મીનીટ સુધી હોદાઓ માટે ખેંચતાણ ચાલી હતી. પરંતુ આખરે ભાજ૫ કાર્યાલયે મેયર સહીતના નામોની વિધિવત જાહેરાત કરવામાં આવતા મેયરને બાદ કરતા તમામ નામ આશ્ર્ચર્યજનક હોય ભાજપની છાવણીમાં કહી ખુશી કહી ગમના માહોલ છવાયો હતો. 


પદાધિકારીઓની પસંદગીમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, વોર્ડ નં.૯ કે જે ભાજપનો ગઢ ગણાય છે અને કોઇ પણ ચૂંટણીમાં આ વોર્ડમાંથી ભાજપને લીડ મળે છે તે વોર્ડના પૂર્વ નગરસેવક ગત ટર્મમાં છેલ્લાં અઢી વર્ષ માટે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હતાં. ત્યારે મનપાની નવી ટર્મમાં પ્રથમ અઢી વર્ષ માટે આ વોર્ડમાંથી ચૂંટાયેલા મોનીકાબેન વ્યાસની મેયર અને ધીરેન મોનાણીની સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન તરીકે વરણી થતાં એટલે કે બે મહત્વના વોર્ડ સંભવત: પ્રથમ વખત એક જ વોર્ડને અપાતા કયાં ગણીત અને પરિબળોને આધારે આ પસંદગી કરવામાં આવી તે અંગે શહેરીજનો તો ઠીક ખુદ ભાજપના નગરસેવકો અને આગેવાનો માથું ખંજવાળી રહ્યા છે.

પદાધીકારીઓની પસંદગીમાં બ્રાહ્મણ, સોની, આહીર, લુહાણા અને ખારવા સમાજને પ્રતિનિધિત્વ અપાયું છે. પરંતુ નવાઇની વાત એ છે કે, મનપાની ચૂંટણીમાં  ક્ષત્રિય સમાજના ભાજપના તમામ ૮ ઉમેદવાર ચૂંટાઇ આવ્યા છે, આમ છતાં ક્ષત્રિય સમાજની કયાં કારણોસર બાદબાકી કરવામાં આવી તે મુદો પણ શહેરભરમાં ભારે ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ક્ષત્રિયની સાથે અન્ય સમાજના ચૂંટાયેલા નગરસેવકોને સ્ટેન્ડીંગ કમીટીના ૧૨ સભ્યોમાં સ્થાન અપાયું છે.


પદાધીકારીઓની પસંદગીમાં મોનીકાબેન વ્યાસનું નામ તો ચૂંટણીમાં ટીકીટ મળ્યાથી મેયર પદની રેસમાં હતું. પરંતુ અન્ય ચાર પદાધીકારીઓની પસંદગી અગાઉના  કયાં સારા અને નરસા એટલે કે ખરાબ અનુભવોને આધારે ભાજપના મોવડીમંડળ દ્વારા કરવામાં આવી તે ખરેખર રાજકીય વિશ્ર્લેષણનો મુદો બન્યો છે. કારણ કે, ક્ષત્રિય સમાજની બાદબાકીના કારણે આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને  જ્ઞાતિના અધારે મનપાના પદાધિકારીઓની વરણીનું ગણીત ગળે ઉતરતું નથી. જો કે, અન્ય અઢી વર્ષની ટર્મ માટે આ સમાજને ભાજપના મોવડીમંડળે કોઇ કમીટમેન્ટ  એટલે કે બાંયેધરી આપી હોય તો પણ નવાઇ નહીં. પરંતુ ગઇકાલે મનપાના પદાધીકારીઓની વરણી થયા બાદ અઢી વર્ષ માટે તો કેટલાક નગરસેવકો અને આગેવાનોના દીલ કે અરમા આસુંઓ મેં બેહ ગયાની સ્થિતિ સર્જાઇ છે. બીજી બાજુુ કોઇનું પણ નહીં ચાલ્યું હોવાની અને મોવડીઓએ પોતાના મનનું ધાર્યું કર્યું હોવાની રાજકીય ગલીઆરીઓમાં ભારે ચર્ચા વચ્ચે આગામી દીવસોમાં ભાજપમાં તેના કેવા પડઘા પડે છે તેના પર સૌની મીટ મંડાઇ છે.


શહેરની બંને વિધાનસભાને સરખુ પ્રતિનિધિત્વ અપાયું:

ગઇ કાલે મહાનગરપાલિકાના  પદાધિકારીઓની વરણી પુરી થયા બાદ એવી વાત ઉઠી હતી કે શહેરની બે વિધાનસભા બેઠક પૈકી ૭૯- વિધાનસભાને વધુ પ્રતિનિધિત્વ અપાયું છે જયારે ૭૮-વિધાસભાને ઓછું પ્રતિનિધિત્વ અપાયુ છે હકિકતે આ ગણીત ખોટું છે વાસ્વિકતા એ છે કે બંને વિધાનસભાને સરખા ભાગે પ્રતિનિધિત્વ આપવાનો પ્રયત્ન કરાયો છે, એ વાત અલગ છે કે વોર્ડ નંબર ૯ને બે મુખ્ય હોદા અપાયા છે પરંતુ એ વાત પણ યાદ રાખવી પડશે કે વોર્ડ નંબર ૯ હકીકતે ૭૮-વિધાનસભા અને ૭૯-વિધાનસભા બંનેમાં આવે છે. આ વોર્ડના કેટલાક વિસ્તારો એક વિધાનસભામાં તો કેટલાક વિસ્તારો બીજી વિધાનસભામાં આવે છે, આ જ રીતે વોર્ડ નંબર ૭ની પણ સ્થિતી છે અને તેના પણ વિસ્તારો બંને વિધાનસભામાં આવેલા છે, વોર્ડ નંબર એક  ૭૮- વિધાનસભામાં છે જયારે વોર્ડ નંબર તેર ૭૯-વિધાનસભામાં છે આ બે વોર્ડ બે વિધાનસભમાં અલગ અલગ છે પરંતુ વોર્ડ નંબર ૯ અને ૭ બંને વિધાનસભામાં સમાવિષ્ટ છે એટલે એવુ હરગીઝ નહી કહી શકાય કે માત્ર ૭૯-વિધાનસભાને વધુ પ્રતિનિધિત્વ અપાયુ છે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News