દ્વારકા: ભાણવડમાં યુવાનની ઘાતકી હત્યા : આરોપીઓ ઝડપાયા
વાહન સાઇડમાં લેવા જેવી બાબતમાં છરીના ઘા ઝીંકયા : ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાયો : પોલીસ દ્વારા બંદોબસ્ત
ભાણવડના પ્લોટ વિસ્તારમાં વાહન સાઇડમાં લેવા જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાયેલા શખ્સોએ યુવાન પર છરી વડે હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો. સારવારમાં મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો હતો જેના કારણે ભારે ચકચાર મચી જવા પામી હતી, તાકીદે પોલીસ ટીમો દ્વારા તપાસ કરી ગણતરીની કલાકોમાં આરોપીઓને પકડી પાડયો હતો. ઘટના સ્થળે બંદોબસ્ત ગોઠવ્યો હતો, આ બનાવે પંથકમાં ભારે ચકચાર મચાવી છે.
ભાણવડના પ્લોટ વિસ્તારમાં રાત્રીના સુમારે ફરીયાદીના દિકરા વિજય રાજુભાઇ પરમાર નામનો યુવાન ઘરેથી પોતાની છકડો રીક્ષા લઇને જતો હતો થોડે આગળ સબ સ્ટેશન પાસે પહોચતા સામેથી આરોપી ઇનાજ ફોરવ્હીલ લઇને મળતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી અને પાછળથી મોટરસાયકલ લઇને આરોપી હુશેન અને અસલમ ઘસી આવ્યા હતા અને યુવાન સાથે મારામારી કરવા લાગ્યા હતા. સામાન્ય બાબતમાં દેકારો બોલી ગયો હતો, દેકારો સાંભળીને ભોગ બનનારના પિતા પણ દોડી આવ્યા હતા તેમને પણ આરોપીઓએ માર માર્યો હતો અને વિજય પર છરીના ઘા ઝીંકી નાશી ગયા હતા.
લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલા વિજયને સારવારમાં લઇ જતા ત્યાં તેમનું મૃત્યુ થયુ હતું, આ અંગે ભાણવડ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ૧૦૩(૧), ૧૧૮(૧), ૩૫૧(૩), ૩૫૨, ૫૪, જીપીએકટ ૧૩૫(૧) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફરીયાદ દાખલ થતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો હતો.
દેવભુમી દ્વારકા એસપી જયરાજસિંહ વાળાની સુચનાથી અને ડીવાયએસપી પ્રખરકુમારના માર્ગદર્શન હેઠળ આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ વી.કે. કોઠીયા અને સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ અને હયુમન સોર્સના આધારે તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે, એકબીજી ટીમે સંકલન સાધી ગણતરીની કલાકોમાં મર્ડરના આરોપીઓને પકડી લીધા હતા.
પોલીસ દ્વારા આ બનાવમાં આરોપીઓ ભાણવડના રામેશ્ર્વર પ્લોટ, ટેલીફોન એક્ષચેન્જની બાજુમાં રહેતા ઇનાજ ઇસ્માઇલ ધુંધા, રામેશ્ર્વર પ્લોટ મેઇન ગલીમાં રહેતા હુશેન ઉર્ફે ભુટીયો જુમા ધુંધા અને રામેશ્ર્વર પ્લોટ ગામેતી પાનની સામે રહેતા અસલમ ઇસાક હિંગોરા નામના ૩ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને બનાવ સબંધે તપાસ લંબાવવામાં આવી હતી. બીજી બાજુ પોલીસ દ્વારા આ બનાવ સબંધે બંદોબસ્ત અને પેટ્રોલીંગ વધુ સધન બનાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application