BREAKING NEWS

શું જામનગરમાં ભાજપની મહિલા કોર્પોરેટરના બુટલેગર પુત્રના ઘર ઉપર બુલડોઝર ચાલશે?

  • October 30, 2026 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શું જામનગરમાં ભાજપની મહિલા કોર્પોરેટરના બુટલેગર પુત્રના ઘર ઉપર બુલડોઝર ચાલશે? 

પોલીસે દા‚નો જથ્થો પકડયા બાદ સતત ચાલતી ચર્ચા: ભાગેડુ આરોપી પર એક ડઝનથી વધુ ગુના નોંધાયા છે: જોઇએ ગુજરાત સરકાર હિંમત દેખાડી શકે છે કે નહિં

દારૂબંધી ધરાવતા ગુજરાતમાં બુટલેગરોનો સફાયો કરવા ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગુનેગારોના બાંધકામ તોડવાની પ્રક્રિયા ચાલે છે ત્યારે જામનગરમાં લાખોના વિદેશી દારૂ પકડાવાના પ્રકરણમાં સંડોવાયેલા વોર્ડ નં. ૧૦ની ભાજપની મહિલા નગરસેવિકાના પુત્રના બાંધકામ તોડવામાં આવશે કે કેમ? એ સવાલ ગઇકાલથી સતત ઉઠી રહ્યો છે, હવે જોવાનું એ છે કે ભાષણોમાં આક્રમતા દર્શાવતા ગુજરાત ના. મુખ્યમંત્રી અને જાંબાઝ કહેવાતા આઇ.જી. નિર્લિપ્તરાય ભાજપની મહિલા નગરસેવિકાના બુટલેગર પુત્રની માલિકીના બાંધકામ પર બુલડોઝર ફેરવે છે કે નહિં? 

જામનગર હાઇવે પર માનસી હોટલ પાછળ હિતેશ ઉર્ફે વાંગા નરશી બાંભણીયાના ભોગવટાના ગોડાઉનમાં ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને રૂ.૪૦.૬૮ લાખની કિંમતનો વિદેશી દારૂ અને જથ્થો મળીને અડધા કરોડનો મુદામાલ કબજે કરીને એક શખ્સને પકડી લીધો હતો. જેમાં ભાજપના વોર્ડ નં.૧૦ના નગરસેવિકા  મંજુબેન નરશીભાઇ બાંભણીયાના પુત્ર હિતેશ બાંભણીયા સહિત ૧૦ને ફરાર જાહેર કર્યા છે જેની શોધખોળ પોલીસ કરી રહી છે. 

આ તો સામાન્ય બાબત છે, પરંતુ ગઇકાલથી રાજકીય ગલારીયો અને કાળા ધંધા કરનારાઓમાં પણ એક ચર્ચા વ્યાપકપણે ચાલી રહી છે કે ગુજરાતને અપરાધમુકત બનાવવા માટે અપરાધીઓના ગેરકાયદે તેમજ અન્ય બાંધકામો પર બુલડોઝર ફેરવવાનું રાજય સરકાર ચાલુ કર્યું છે અને આટલું જ નહિ એવા ગુનેગારોના વીજકનેકશન પણ કાપી નાખવામાં આવે છે.

છેલ્લા કેટલાક મહિનાઓમાં ગુજરાતમાં આવા બુલડોઝર ચાલ્યા છે, દેવભૂમિ દ્વારકા અને જામનગર શહેરમાં પણ ગુનેગારોના બાંધકામો તોડવામાં આવ્યા છે ત્યારે વિદેશી દારૂના જંગી જથ્થામાં સંડોવાયેલા નગરસેવિકાના ગુનેગાર પુત્રના બાંધકામને તોડવામાં આવશે કે કેમ? એ સવાલ થઇ રહ્યો છે. 

ખુબ સારી બાબત છે કે ગુજરાત સરકાર રાજયને નશામુકત બનાવવા માટે આક્રમક બની છે, પરંતુ આ આક્રમકતા ભાજપની અંદર રહેલા આગેવાનો, કાર્યકરોના પુત્રોના કાળા કરતુતો સામે પણ દર્શાવવામાં આવશે કે કેમ? એ સમય બતાવશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી ગુજરાતને અપરાધમુકત કરવા માંગે છે અને એમણે બુલડોઝર બાબાનો સાથ લીધો છે એટલે જામનગર ભાજપની મહિલા નગરસેવિકાના પુત્રને મામલે એમનો રૂખ કેવો રહે છે તેનો જવાબ આગામી દિવસોમાં મળી રહેશે, આ ઉપરાંત જાંબાઝની છાપ ધરાવતા રેન્જ આઇ.જી. નિર્લિપ્ત રોય આ પ્રકરણમાં કેવું વલણ રાખે છે તે પણ નોંધપાત્ર રહેશે. 

સીધી વાત છે કે જયારે અપરાધીઓને સીધા કરવા માટે બાંધકામો તોડવા, વીજ કનેકશન કટ કરવા, આકરા પગલા લેવાય છે ત્યારે તેમાં કમસે કમ વ્હાલા-દવલાની નીતિ ચાલી શકે નહીં. કારણકે મહિલા 
નગરસેવિકાના બુટલેગર પુત્ર પર એક ડઝનથી વધુ ગુના નોંધાયેલા છે.

અપરાધખોરીને નાથવા ગુજરાત સરકાર અને રેન્જ આઇજી નિર્લિપ્ત રોય ખરેખર નિષ્પક્ષ રીતે કામગીરી કરી શકે છે કે કેમ અને ઘરનાને બધુ માફની નીતિ ચાલે છે કે કેમ એ બાબત પણ સ્પષ્ટ થઇ જશે, કારણકે મહિલા નગરસેવિકાના પુત્રના વિદેશી દારૂના પ્રકરણમાં સંડોવણીને લઇને જામનગર શહેર જિલ્લામાં ભારે ચર્ચા જાગી છે અને સૌને એ બાબતનો ઇન્તજાર છે કે આ ગુનેગારના ગેરકાયદે બાંધકામ તોડાઇ છે કે નહિ અને તેના વીજ કનેકશન કટ કરવામાં આવે છે કે નહીં.
​​​​​​​
જો શેહ શરમમાં ગુજરાત સરકાર અને રેન્જ આઇજી પગલા લેવાથી આંખ આડા કાન કરે તો એ બાબત પણ મક્કમ રીતે ઉઠી શકે કે અન્ય ગુનેગારોના બાંધકામો તોડવાનો એમને કોણે હક્ક આપ્યો, ન્યાયની દ્રષ્ટિએ તો અપરાધીઓ બધા સરખા હોવા જોઇએ.
​​​​​​​
સતામાં ભાજપ છે, એટલે ભાજપમાં રહીને બેખોફ રીતે ગુનાખોરી આચરવાનું પીળો પરવાનો મળી જતો નથી એવું પણ ગુજરાત સરકારે સાબિત કરી આપવુ પડશે, ગુનેગારો સામે આંખને લાલ રાખનારા રેન્જ આઇજીની નજર આ પ્રકરણમાં ખરેખર લાલ થાય છે કે કેમ એ પણ જોવું રસપ્રદ બની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application