BREAKING NEWS

હાલારના રાંધણગેસ સીલીન્ડર ગ્રાહકો પર રૂ.૬૬.૭૦ લાખનો બોજો વધશે

  • June 08, 2026 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારના રાંધણગેસ સીલીન્ડર ગ્રાહકો પર રૂ.૬૬.૭૦ લાખનો બોજો વધશે

મોંઘવારીમાં વધુ એક ડામ: ઘરેલું ગેસના બાટલામાં રૂ.૨૯નો વધારો ઝીંકવામાં આવતા હવેથી ગ્રાહકે રૂ.૯૫૪.૫૦ ચૂકવવાના રહેશે, મઘ્યમ પરિવારોના બજેટ ડામાડોળ

બે મહીનામાં ઘરવપરાશના બાટલાના ભાવમાં રૂ.૮૯ વધી ગયા: હજુ આગામી દીવસોમાં રાંધણગેસના ભાવ વધવાની ભીતિ: જીવનજરૂરિયાતની ચીજ-વસ્તુઓના ભાવ વધતા લોકો બેહાલ

રાંધણગેસના સીલીન્ડરના ભાવમાં વધુ એક વખત રૂ.૨૯નો વધારો ઝીંકવામાં આવતા હાલારના ઘરેલું વપરાશના સીલીન્ડર ધારકો પર રૂ.૬૬.૭૦ લાખનો બોજો વધશે. ઘરેલું ગેસના બાટલામાં રૂ.૨૯નો વધારો ઝીંકવામાં આવતા હવેથી ગ્રાહકે રૂ.૯૫૪.૫૦ ચૂકવવાના રહેશે. મોંઘવારીમાં વધુ એક ડામથી મઘ્યમ પરિવારોના બજેટ ડામાડોળ થઇ ગયા છે. બે મહીનામાં ઘરવપરાશના બાટલાના ભાવમાં રૂ.૮૯ વધી ગયા છે. હજુ આગામી દીવસોમાં રાંધણગેસના ભાવ વધવાની ભીતિ સેવાઇ રહી છે. કારમી મોંઘવારીમાં જીવનજરૂરિયાતી ચીજ-વસ્તુઓના ભાવ વધતા લોકો બેહાલ થયા છે.

અમેરિકા,ઈઝરાયેલ અને ઇરાન વચ્ચે યુઘ્ધની સૌથી માઠી અસર ગેસ, ક્રુડ ઓઇલની આયાત-નિકાસ પર પડી છે. ભારતમાં ગેસ અને ઇંધણની શોર્ટ સપ્લાયથી અનેક ઉધોગને કમરતોડ ફટકો પડયો છે તો ખેતીનું ચક્ર પણ ખોરવાઇ ગયું છે. આ  સ્થિતિમાં ગત તા.૬ માર્ચના રાત્રીના રાંધણગેસના સીલીન્ડરના ભાવમાં રૂ.૬૦નો વધારો ઓઇલ કંપનીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘરવપરાશ ગેસ સીલીન્ડરના ૨.૩૦ લાખ ગ્રાહકો છે. આથી હાલારના ઘરેલું ગેસ સીલીન્ડરના ગ્રાહકો પર તે સમયે રૂ.૧.૩૮ કરોડનો બોજો પડયો હતો. ગેસ સીલીન્ડરના ભાવ રૂ.૬૦ વધતા ગ્રાહકને સીલીન્ડરના રૂ.૮૬૫.૫૦ના બદલે રૂ.૯૨૫.૫૦ ચૂકવવા પડયા હતાં. ત્યારબાદ હજુ પણ ગેસ સપ્લાયની ચેઇન સામાન્ય થઇ નથી. આ સ્થિતિમાં ઓઇલ કંપનીઓ દ્વારા વધુ એક વખત રાંધણગેસના બાટલામાં રૂ.૨૯નો વધારો ઝીંકવામાં આવ્યો છે. જેના કારણે હાલારના ૨.૩૦ લાખ ઘરેલું વપરાશના સીલીન્ડર ધારકો પર વધુ રૂ.૬૬,૭૦,૦૦૦નો બોજો વધશે.  આથી ગ્રાહકે હવે રાંધણગેસના સીલીન્ડરના રૂ.૯૨૫.૫૦ના બદલે રૂ.૯૫૪.૫૦  ચૂકવવા પડશે. મોંધવારીમાં રાંધણગેસના બાટલામાં વધુ એક વખત ભાવ વધારાના ડામથી લોકોમાં ભારે રોષ સાથે દેકારો બોલી ગયો છે. 
​​​​​​​
આટલું જ નહીં રાંધણગેસએ જીવનજરૂરી હોવાથી ભાવ વધારાથી મઘ્યમ પરિવાુરના બજેટ ડામાડોળ થઇ ગયા છે. બે મહીનામાં ઘરવપરાશના બાટલાના ભાવમાં રૂ.૮૯ વધી જતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. હજુ આગામી દીવસોમાં રાંધણગેસના ભાવ વધવાની ભીતિ નકારી શકાતી નથી. જીવનજરૂરિયાતની ચીજ-વસ્તુઓના ભાવ વધતા લોકો બેહાલ બન્યા છે. ખાસ કરીને રાંધણગેસના ભાવ વધવા છતાં હજુ ગેસ સીલીન્ડર ૩૫ દીવસે નોંધાતા હોવાનું અને ત્યારબાદ પણ સમયસર ન મળતા હોવાની ફરિયાદો યથાવત રહી છે. ત્યારે આગામી દીવસોમાં સ્થિતિ હજુ વધુ બગડશે કે સુધરશે તેના પર સૌની મીટ મંડાઇ છે. 






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application