જામનગર: સિક્કામાં દરિયાકાંઠે સાઇડ પરથી રૂ.૫૧ હજારના બુશની ચોરી
૧૦ દિવસ પૂર્વે અજાણ્યા શખ્સે મિશ્રધાતુના પાંચ બુશ લઇ ગયા: પોલીસ દ્વારા તપાસ
સિક્કા દરિયાકાંઠે આવેલી શ્રીજી સાઇટની ઓફિસમાંથી મિશ્ર ધાતુના કિંમતી બુશની ચોરી થતાં સિક્કા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ જામનગર ખાતે સરલાબેન ત્રિવેદી આવાસ પાછળ મામાસાહેબના મંદિર નજીક રહેતા અને મૂળ મુંગણી ગામના વતની દિલીપસિંહ નારણજી કંચવાએ ફરિયાદ નોંધાવી છે. તેઓ શ્રીજી સાઇટ ખાતે સાઇટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે.
ફરિયાદ અનુસાર તા. ૮ જૂન, ૨૦૨૬ના રોજ રાત્રે સિક્કા દરિયાકાંઠે આવેલી શ્રીજી શિપિંગ બાર્જ નિર્માણ સાઇટની ઓફિસમાંથી કોઈ અજાણ્યા ચોરે મિશ્ર ધાતુના કુલ ૫ બુશની ચોરી કરી લીધી હતી. ચોરી થયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. ૫૧,૫૦૦ હોવાનું જણાવાયું છે.
બનાવ અંગે સિક્કા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૪) તથા ૫૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે અજાણ્યા ચોરને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.