BREAKING NEWS

હલેન્ડા ગામની સીમમાં યુવાન પર કૌટુંબિક ભાઇઓનો કુહાડી,ધોકા-પાઇપ વડે હુમલો

  • July 21, 2026 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલા હલેન્ડા ગામની સીમમાં યુવાન પર તેના કૌટુંબિક ભાઈઓએ ધોકા-પાઇપ અને કુહાડી વડે હુમલો કર્યો હતો. યુવાને પોતાની વાડીમાંથી કૌટુંબિક ભાઈઓને ચાલવાની ના કહેતા તે બાબતનો ખાર રાખી તેને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે આજીડેમ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. રાજકોટ ભાવનગર હાઇવે પર હલેન્ડા ગામમાં શ્રીજી મેડિકલવાળી શેરીમાં રહેતા જયમલ વિભાભાઈ ગરૈયા(ઉ.વ.૩૪) દ્વારા નોંધાવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કૌટુંબિક ભાઈ રોહિત હરિકરસન ગરૈયા અને કાળુ હરીકરસન ગરૈયાના નામ આપ્યા છે. યુવાન ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેને સંતાનમાં બે પુત્ર છે. યુવકના પિતાનું એકાદ વર્ષ પહેલાં અવસાન થયું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સવારના આઠેક વાગ્યા આસપાસ તે પોતાની વાડી જે હલેન્ડા ગામની સીમ વિસ્તારમાં આવેલી હોય ત્યાં માલઢોર પાણી પીતા હોય ત્યાં સગા કાકાના પુત્ર રોહિત અને કાળુ જેમની વાડી બાજુમાં જ આવેલી હોય તે વાડીએ આવ્યા હતા. રોહિતના હાથમાં ધોકો તથા બીજા હાથમાં કુહાડી તથા કાળુના હાથમાં પાઇપ હતો અને આ બંને યુવાન પર પાઇપ વડે હુમલો કરી તેને પડખાનાભાગે પાઇપના ઘા ઝીંકી દીધા હતા. યુવાન કાળુને રોકવા જતા રોહિતે કુહાડીનો એક ઘા તેને સાથળનાભાગે મારી દીધો હતો. જેથી યુવાન અહીં પડી ગયો હતો બાદમાં કાળુ તેના પર બેસી જઇ તેને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો અને ગળું પકડી કહ્યું હતું કે, અમને વાડીમાંથી ચાલવાની ના પાડીશ તો તને જાનથી મારી નાખીશ એમ કહી માર માર્યો હતો.

દરમિયાન વાડીએ હાજર મજૂર કમલેશે અહીં આવી યુવાનને વધુ મારમાંથી બચાવ્યો હતો અને બાદમાં રોહિત તથા કાળુ અહીંથી જતા રહ્યા હતા. ત્યારબાદ યુવાનને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેના કાકાના પુત્ર રોહિત અને કાળુને તેણે પોતાની વાડીમાંથી ચાલવાની ના પાડી હોય જે વાતનો ખાર રાખી અવારનવાર બોલાચાલી કરતા હોય દરમિયાન ગઈકાલે તેના પર ધોકા, પાઇપ અને કુહાડી વડે હુમલો કરી દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે આજીડેમ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application