જામનગરવાસીઓ હવે આગ લાગે તો ૧૦૧ નહીં ૧૧૨ પર કોલ કરજો
રાજયની ૬ મહાનગરપાલીકામાં ફાયર સેવાની હેલ્પલાઇનમાં ઘરખમ ફેરફાર
આપાતકાલીન સ્થિતિમાં શહેરીજનોને ઝડપથી સુવિધા અને સેવા મળશે
જામનગરવાસીઓ હવે આગ લાગે તો ૧૦૧ નહીં ૧૧૨ પર કોલ કરજો. કારણ કે, જામનગર સહીત રાજયની ૬ મહાનગરપાલીકામાં ફાયર સેવાની હેલ્પલાઇનમાં ધરખમ ફેરફાર કરાયો છે. આથી આપાતકાલીન સ્થિતિમાં શહેરીજનોને ઝડપથી સુવિધા અને સેવા મળશે.
નાગરિકોની સલામતી અને કટોકટીના સમયે ત્વરિત મદદ મળી રહે તે હેતુથી ગુજરાત સરકારે ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેઠળ સિંગલ ઇમરજન્સી નંબર ૧૧૨નો વ્યાપ વધાર્યો છે. પ્રથમ તબક્કામાં જામનગર સહિત રાજ્યની છ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સેવાઓને ૧૧૨ સાથે સાંકળી લેવામાં આવી છે. જામનગર, અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરપાલિકાની ફાયર સેવામાં આજે તા.૨૩ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યાથી જૂના ૧૦૧ નંબરના સ્થાને સત્તાવાર રીતે સંકલિત ઇમરજન્સી નંબર ૧૧૨ કાર્યરત કરવામાં આવ્યો છે. હવેથી આગ લાગવી, અકસ્માત સર્જાવો, રેસ્ક્યુ કામગીરી અથવા અન્ય કોઈ આપાતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોએ અલગ-અલગ ઇમરજન્સી નંબર યાદ રાખવાની જરૂર રહેશે નહીં. માત્ર ૧૧૨ નંબર પર કોલ કરવાથી જરૂરી ફાયર અને ઇમરજન્સી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
નવી વ્યવસ્થામાં ફાયર શાખાના વાહનોમાં જીપીએસ તથા મોબાઇલ ડેટા ટર્મિનલ ઉપકરણો લગાવવામાં આવ્યા છે. તેના કારણે કંટ્રોલ રૂમમાંથી ફાયર વાહનોનું વાસ્તવિક સમયનું સ્થળાંતર અને ચોક્કસ લોકેશન જાણી શકાશે તેમજ ઘટનાસ્થળે પહોંચવાનો સમય પણ મોનિટર કરી શકાશે. પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ સેવાઓને એક જ કેન્દ્રીય કમાન્ડ સિસ્ટમ સાથે જોડવામાં આવતાં કટોકટીના સમયે જરૂરી તમામ એજન્સીઓ વચ્ચે વધુ ઝડપી સંકલન થઈ શકશે. ખાસ બાબત એ છે કે નાગરિક ભૂલથી જૂના ૧૦૧ નંબર પર કોલ કરશે તો પણ તે કોલ આપમેળે ૧૧૨ના કેન્દ્ર પર સ્થળાંતરિત થઈ જશે. જોકે, જામનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા નાગરિકોને હવેથી કોઈપણ આગ, અકસ્માત, રેસ્ક્યુ અથવા આપાતકાલીન સહાય માટે સીધો જ ૧૧૨ નંબર ડાયલ કરવા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application