BREAKING NEWS

જામનગર: રાઘવજીભાઇ તમે કોંગ્રેસવાળાઓને આગળ કરીને ભાજપવાળાને પાછળ ધકેલી રહ્યા છો

  • October 17, 2026 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: રાઘવજીભાઇ તમે કોંગ્રેસવાળાઓને આગળ કરીને ભાજપવાળાને પાછળ ધકેલી રહ્યા છો

જોડિયા તાલુકા પંચાયત પ્રમુખના પતિ અને ધારાસભ્ય વચ્ચેની વાતચીતનું કોલ રેકોર્ડિંગ થયું વાયરલ

જામનગર જિલ્લા ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલી જૂથબંધી અને અંદરખાને સળગતો અસંતોષ હવે ખુલ્લેઆમ સપાટી પર આવી ગયો છે. રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખના પતિ મયુર ચનીયારા વચ્ચેની ઉગ્ર ટેલિફોનિક વાતચીતનું એક કથિત ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

આ રેકોર્ડિંગમાં તાલુકા પંચાયત પ્રમુખના પતિ ખુલ્લંખુલા એવું કહેતા સાંભળવા મળ્યા છે કે રાઘવજીભાઇ તમે કોંગ્રેસના ભાજપમાં આવેલા કાર્યકરોને આગળ કરી રહ્યા છો અને ભાજપના જુના જોગીઓને પાછળ ધકેલી રહ્યા છો, આ સમગ્ર વાતચીતનું કોલ રેકોર્ડીંગ જામનગર જિલ્લામાં ફરી રહ્યું છે, જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

આ સમગ્ર વિવાદની વિગત મુજબ, જોડિયા તાલુકાના બારાડી હડિયાણા ગામ પાસે આયોજિત ચેકડેમના ખાતમુહૂર્ત કાર્યક્રમની સત્તાવાર નિમંત્રણ પત્રિકામાં પ્રોટોકોલ મુજબ જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખનું નામ સામેલ કરવામાં આવ્યું નહોતું. પોતાના પત્ની અને તાલુકા પંચાયતના પ્રમુખનું નામ પત્રિકામાંથી ગાયબ જોઈને તેમના પતિ મયુર ચનીયારા ભારે રોષે ભરાયા હતા. તેમણે સીધો જ પૂર્વ મંત્રી રાઘવજી પટેલને ફોન જોડીને આ અંગે ઉગ્ર શબ્દોમાં ખુલાસો માંગ્યો હતો.
​​​​​​​
વાયરલ થયેલી આ કથિત ઓડિયો ક્લિપમાં મયુર ચનીયારાએ પૂર્વ મંત્રી સમક્ષ તીખા આક્ષેપો કર્યા હતા કે સંગઠન અને આવા સરકારી કાર્યક્રમોમાં ભાજપના મૂળ અને જૂના પાયાના કાર્યકરોની ધરાર અવગણના કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, રાઘવજી પટેલ પક્ષમાં કોંગ્રેસમાંથી આવેલા કે કોંગ્રેસી વિચારધારા ધરાવતા મળતિયા કાર્યકરોને ખોટી રીતે આગળ વધારી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. ફોન પર બંને પક્ષે જોરદાર બોલાચાલી થઈ હોવાનું બહાર આવ્યું છે.
​​​​​​​
આ કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતાં જ જામનગર જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ભાજપમાં ’જૂના વિરુદ્ધ નવા’ કાર્યકરો વચ્ચે ચાલતી આંતરિક લડાઈ જાહેરમાં આવી જતાં સંગઠનની આબરૂના ધજાગરા ઊડ્યા છે. પૂર્વ મંત્રી અને સ્થાનિક હોદ્દેદાર વચ્ચેનો આ ડખો સામે આવતા બંને નેતાઓની ભૂમિકા સામે અનેક સવાલો ખડા થયા છે અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application