BREAKING NEWS

જામનગર: લાલપુરના લુંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો આરોપી, સગીરાની અટકાયત કરાઇ

  • October 17, 2026 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: લાલપુરના લુંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો આરોપી, સગીરાની અટકાયત કરાઇ

જામનગરમાં બંનેએ લુંટનો પ્લાન ઘડયો : પુનાથી પકડી લીધો : ૧૧.૪૯ લાખનો મુદામાલ કબ્જે 

લાલપુરમાં નિવૃત પીજીવીસીએલના કર્મચારીની લુંટના ઇરાદે હત્યા કરવાના ચકચારી પ્રકરનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે, મુખ્ય આરોપીને પુનાથી પકડી લેવાયો છે, સગીરાની પણ અટકાયત કરી લીધી છે, જામનગરમાં બંનેએ લુંટનો પ્લાન ઘડયો હતો અને બીજા દિવસે અંજામ આપ્યો હતો એવી વિગતો તપાસ દરમ્યાન સામે આવી છે, પોલીસ દ્વારા ૯૮ હજારની રોકડ અને ચાંદીના ચોસા મળી ૧૧.૪૯ લાખનો મુદામાલ રિકવર કર્યો છે. 

લાલપુરના પારેખ બાગ રોડ પર ટાઉન વિસ્તારમાં રહેતા નિવૃત જીવન ગાળતા મનસુખ રામજીભાઇ વાછાણી (ઉ.વ.૬૬) ની કોઇ હથિયાર વડે આડેધડ માથાના ભાગે ઘા મારી હત્યા નિપજાવવામાં આવી હતી, ઘરમાં પડેલ રૂપીયા અને દાગીનાની લુંટ કરવામાં આવી હતી, આ અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં બે શકમંદ સામે ફરીયાદ કરાઇ હતી, બનાવની જાણ થતા પોલીસ ટુકડીઓ દોડી ગઇ હતી.

રેન્જ આઇજી નિર્લિપ્ત રાય, જામનગર એસપી ડો. રવિ મોહન સૈનીની સુચના અન્વયે લાલપુર વિભાગના એએસપી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ નાશી ગયેલા આરોપીઓને તત્કાલ પકડી પાડવા આદેશ આપેલ જે અંતર્ગત લાલપુર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તથા એલસીબીની જરૂરી ટેકનીકલ મદદ મેળવી હયુમન સોર્સના આધારે તપાસ લંબાવવામાં આવી હતી.

સ્ટાફ તપાસમાં હતો ત્યારે સંયુકત રીતે બાતમીના આધારે તથા રેલ્વે પોલીસની મદદથી મહારાષ્ટ્ર રાજયના પુનામાં તપાસ લંબાવીને આરોપી અક્ષય અરવિંદ મોયડા  (ઉ.વ.૨૫-ધંધો હોટલનો વેઇટર) રહે. દેવભુમી દ્વારકા ઓખામંડળના મિઠાપુર બક્ષી પંચ સોસાયટીને પકડી પાડયો હતો, તેની પાસેથી રોકડા ૯૮૬૮૩ તથા ચાંદીના ૯ ચોસા જેનું વજન ૪.૯૯૯ ગ્રામ, કિ. ૧૦.૪૮.૩૨૦ મળી તેમજ અન્ય ચિજવસ્તુઓ મળી કુલ ૧૧.૪૯.૫૦૩નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આરોપીએ સગીરા સાથે મળીને ગુનાનું પુર્વ આયોજીત કાવતરૂ રચી મરણજનારની એકલતાનો લાભ ઉઠાવીને લુંટ કરવા અંજામ આપ્યો હતો, આરોપીની વિધિવત ધરપકડ કરી રીમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુનાનો ભેદ ઉકેલવાની કાર્યવાહી લાલપુરના ઇન્ચાર્જ પીઆઇ એ.જી. જાડેજા, પીઆઇ એસ.પી. ગોહિલ, એએસઆઇ ડી.સી. ગોહિલ, કોન્સ પ્રવિણ બેડીયાવદરા, દિવ્યેશ ભીંભા, સંદિપ હુણ, રવિ આંબલીયા, અર્જુનસિંહ વાળા, દિગુભા જાડેજા, આશિષગીરી દ્વારા કરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application