જામનગર ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘમાં નવા પાંચ ટ્રસ્ટીના નામ દાખલનો ફેરફાર રિપોર્ટ નામંજૂર
મદદનીશ ચેરીટી કમિશ્ર્નરના આદેશથી અરજદાર જીનેશ શાહને લપડાક, વાંધા અરજી મંજૂર
એજન્ડાની બજવણી, ટ્રસ્ટીની નિમણૂંકની મતદાન પ્રક્રીયા સહીતના મહત્વના મુદે અરજદારે સ્પષ્ટતા ન કરી
જામનગર ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘમાં નવા પાંચ ટ્રસ્ટીના નામનો ઉમેરો એટલે કે દાખલ કરવાનો ફેરફાર રિપોર્ટ નામંજૂર કરાયો છે. મદદનીશ ચેરીટી કમિશ્ર્નરે વાંધેદારોની વાંધા અરજી મંજૂર કરી અરજદાર જીનેશ શાહને લપડાક સમાન આદેશ કર્યો છે. આટલું જ નહીં આ પ્રકરણમાં અરજદારે એજન્ડાની બજવણી, ટ્રસ્ટીની નિમણૂંકની મતદાન પ્રક્રીયા સહીતના મહત્વના મુદે કોઇ સ્પષ્ટતા ન કરી હોવાનું પણ નોંધાતા અનેક સવાલ ઉઠ્યા છે.
જામનગરના ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ ટ્રસ્ટમાં ટ્રસ્ટી પ્રવીણ લીલાધર હરીયા, જંયતિલાલ પાનાચંદ હરીયા, શાંતીલાલ કેશવજી સાવલા, રમણીકલાલ જેઠાલાલ ચંદરીયા, ધીરજલાલ જીવરાજ હરીયા નિવૃત થતાં તેમના નામ ટ્રસ્ટના પીટીઆરમાંથી કમી કરી રતીલાલ મેઘજી સુમરીયા, અમૃતલાલ કચરા ગુઢકા, યોગેશ પ્રેમચંદ શાહ, જીનેશ ફુલચંદ શાહ, રજનીકાંત હીરજી નગરીયાની ટ્રસ્ટી તરીકે નવી નિમણૂંક થઇ હોય ટ્રસ્ટી તરીકે તેમના નામ ટ્રસ્ટના પીટીઆરમાં ઉમેરવા અરજદાર જીનેશ ફુલચંદ શાહે જામનગરના મદદનીશ આસીસ્ટન્ટ ચેરીટી કમિશ્ર્નર સમક્ષ અરજી કરી હતી. જેની સામે પ્રફુલ નાથાલાલ માલદે, સુભાષભાઇ કેશવજી ગડા, ઓતમચંદ હરણીયા સહીત ૨૧ વાંધેદારોએ દસ્તાવેજી પુરાવાઓ સાથે વાંધા અરજીઓ કરી હતી. આ વાંધા અરજીઓમાં ટ્રસ્ટની ચૂંટણીમાં ફરજીયાત પાંચ મત આપવાનો નિયમ યોગ્ય ન હોવાની, ચૂંટણી પ્રક્રીયામાં જામનગર વિભાગના અમુક પ્રતિનિધિઓ આ મતદાનથી અળગા રહ્યા, ટ્રસ્ટીઓની ચૂંટણી યોજવા અંગે ભારત દેશમાં વસવાટ કરતા જ્ઞાતિજનો સમક્ષ જાહેરાત પણ કરી ન હોય સહીતની મુખ્ય અને ગંભીર રજૂઆતો પુરાવા સાથે કરવામાં આવી હતી. આ રજૂઆતો અને પુરાવા ઘ્યાને લઇ જામનગરના મદદનીશ ચેરીટી કમિશ્ર્નરે અરજદાર જીનેશ શાહે ફેરફાર રીપોર્ટ કંઇ રીતે અસરકર્તા છે તે જણાવ્યું નથી. વધુમાં રજૂ થયેલા ફેરફાર રીપોર્ટમાં એજન્ડાની બજવણી, ટ્રસ્ટીપદની ચૂંટણી-નિમણૂંક બાબતે થયેલા મતદાનની પ્રક્રીયા, પ્રતિનિધિઓની નિમણૂંક અને તેઓની નિમૂણૂંકની મુદત, મહારાષ્ટ્રમાં ન થયેલા પ્રતિનિધિઓની ચૂંટણી, ટ્રસ્ટના બંધારણ પ્રમાણે ૫૦ થી ૨૦૦ ઘરો કયાં તથા આ ઘરોએ નિમેલા પ્રતિનિધિઓની ચૂંટણી બાબતે કોઇ સ્પષ્ટતા કરી હોવાનું જણાતું નથી તેમ નોંધી અરજદાર જીનેશ શાહની ફેરફાર રીપોર્ટ નામંજૂર કરી વાંધેદારોની અરજી મંજૂર કરી છે. આમ જામનગર ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘના વધુ એક પ્રકરણમાં અરજદારનો ફેરફાર રિપોર્ટ નામંજૂર કરવામાં આવતા આ મુદો સમસ્ત હાલારી વિશા ઓશવાળ સમાજમાં વધુ એક વખત ચર્ચાનો વિષય બન્યો છે.