BREAKING NEWS

જામનગર જિલ્લા પંચાયતમાં ભીમાણી પાસેથી ડેપ્યુટી ડીડીઓનો ચાર્જ આંચકી લેવાયો..!

  • November 07, 2025 05:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર જિલ્લા પંચાયતમાં સંશોધન અધિકારી ભીમાણી પાસેથી ડેપ્યુટી ડીડીઓનો ચાર્જ પરત લઇ લેવામાં આવ્યો છે. સામાન્ય શાખાના કચેરીના વડા તરીકે વધારાની કામગીરી પણ તેમની પાસેથી પરત લઇ લેવામાં આવી છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારીના ચાર્જના ચલકચલાણાથી કર્મચારીઓમાં તરેહ-તરેહની ચર્ચા સાથે અનેક સવાલ ઉઠ્યા છે. 


જામનગર જિલ્લા પંચાયતમાં થોડા મહીના પૂર્વે અધિકારીઓની બદલી થઇ હતી. ત્યારબાદ નવનિયુકત ડીડીઓએ જિલ્લા પંચાયતમાં સંશોધન અધિકારી તરીકે ફરજ બજાવતા એ.એ.ભીમાણીને વિકાસ શાખાના વડા તરીકેની કામગીરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત)ની વધારાની કામગીરી અને સામાન્ય શાખાની કચેરીના વડા તરીકેની કામગીરી સોંપવામાં આવી હતી. આ આદેશના પગલે જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ તથા પદાધિકારીઓમાં તરેહ-તરેહની ચર્ચા સાથે અનેક સવાલ ઉઠ્યા હતાં. એક અધિકારીને ત્રણ વધારાના ચાર્જથી અધિકારીઓ અને કર્મચારીઓમાં ચાલતા ગણગણાટ વચ્ચે તા.૬-૧૧-૨૦૨૫ના જિલ્લા વિકાસ અધિકારીએ સંશોધન અધિકારીને સોંપવામાં આવેલા વધારાના ચાર્જ પરત ખેંચી લીધા છે.


ડીડીઓએ કરેલા આદેશમાં જણાવ્યાનુસાર સંશોધન અધિકારી એ.એ.ભીમાણી હસ્તક રહેલો નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત) તરીકેનો ચાર્જ તથા સામાન્ય શાખાના કચેરીના વડા તરીકેની વધારાની કામગીરીનો ચાર્જ જિલ્લા પંચાયતમાં હીસાબી અધિકારી તરીકે ફરજ બજાવતા ડી.એચ.ઘેલાણીને પોતાની મૂળ ફરજ ઉપરાંત વધારાના હવાલા તરીકે સુપ્રત કરાયો છે.


 આટલું જ નહીં અધિકારી ભીમાણી હસ્તક રહેલો વિકાસ શાખાક કચેરીના વડા તરીકેની વધારાની કામગીરી જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી(મહેસૂલ)કુ.વી.આર.માકડીયાને પોતાની મૂળ ફરજ ઉપરાંત વધારાના હવાલા તરીકે સુપ્રત કરવામાં આવ્યો છે. આટલું જ નહીં આ આદેશનો તાત્કાલીક અમલ કરવા ડીડીઓએ આદેશમાં જણાવ્યું છે. બીજી બાજુ એક જ અધિકારી પાસે રહેલા ત્રણ ચાર્જ એક ઝાટકે આંચકી અન્ય અધિકારીઓને સોંપવામાં આવતા કયું પરિબણ નડયું, કયાં કારણ જવાબદાર સહીતની ચર્ચા જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓમાં જોરશોરથી શરૂ થઇ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application